ભાજપને જોરદાર ઝટકો, 'જો રામ કો લાએ હૈ, હમ ઉનકો..' ગીત ગાનારા સિંગર કોંગ્રેસમાં જોડાશે
Image: Facebook |
Kanhaiya Mittal News: હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારથી ભાજપ માટે મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. તાજેતરના અહેવાલ અનુસાર ભાજપને વધુ એક મોટો ફટકો પડી શકે છે. જાણીતા ગાયક કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કન્હૈયા મિત્તલ ટિકિટ ન મળવાથી નારાજ હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે યુપી ચૂંટણી દરમિયાન કન્હૈયા મિત્તલનું ગીત લોકપ્રિય બન્યું હતું. તેમણે જ 'જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે' ગીત ગાયું હતું.
કન્હૈયા મિત્તલને જ્યારે સવાલ કરાયો કે શું તમે ટિકિટ ન મળતાં નારાજ છો? તો તેમણે કહ્યું કે કોઈ નારાજગી નથી, પરંતુ મારું મન કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યું છે. મેં પહેલાં ક્યારેય કોઈ પક્ષ માટે કામ કર્યું નથી. પરંતુ મને લાગે છે કે મારે કોંગ્રેસમાં જોડાવું જોઈએ. વિનેશ ફોગાટ પણ કોંગ્રેસ સાથે જોડાઈ છે અને તેમ છતાં તેની ટીકાઓ થઈ રહી છે. તેનાથી મને લાગે છે કે ક્યાંકને ક્યાંક આપણે આવા પક્ષને સમર્થન આપવું જોઈએ. જો મામલો ઉકેલાઈ જશે તો હું પણ ચોક્કસપણે કોંગ્રેસમાં જોડાઈ જઇશ.
કેમ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો?
કન્હૈયા મિત્તલને પૂછવામાં આવ્યું કે તેમનું ગીત 'જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે' ભાજપના પ્રચારમાં ભારે ચર્ચામાં રહ્યું હતું. તમે કહ્યું હતું કે કોંગ્રેસે પણ રામને આવતા રોક્યા હતા. એટલા માટે આટલો મોટો નિર્ણય લેતાં તમે વિચાર્યું નહીં? તેના પર કન્હૈયા મિત્તલે કહ્યું કે, ના, મેં એવું નથી કહ્યું, પણ મેં કહ્યું હતું કે જો વડાપ્રધાન મનમોહન સિંહ પણ રામ મંદિરનો નિર્ણય લઈને આવ્યા હોત તો મેં તેમના માટે પણ ગીત ગાયું હોત. પણ હવે દેશની વર્તમાન સ્થિતિ જોતા લાગે છે કે કોંગ્રેસનો સાથ સારો રહેશે. આવનારા યુથ પણ આ વાતને સમજે. ઠીક છે અમે રામને માનીએ છીએ પણ એવું તો નથી કે બધા રામવિરોધી જ કોંગ્રેસમાં છે. ત્યાં પણ રામને ચાહનારા લોકો છે અને સનાતની છે. બધા સાથે મળીને કામ કરી શકાય છે.