VIDEO | કન્હૈયા કુમારને જાહેરમાં લાફો મારતાં રાજકારણ ગરમાયું, ભાજપ સાંસદની ભૂમિકાનો આરોપ
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024 માટે દિલ્હીમાં I.N.D.I.A. ગઠબંધન હેઠળ કોંગ્રેસે પૂર્વ JNUSU વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને ઉત્તર પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા છે. તે ઉસ્માનપુર વિસ્તારમાં પ્રચાર કરવા ગયા હતા. આ દરમિયાન કન્હૈયા કુમારને માળા પહેરાવવાના બહાને એક વ્યક્તિ તેમની નજીક આવ્યો અને માળા પહેરાવ્યા બાદ કન્હૈયા કુમારને લાફો ઝીંકી દીધો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કન્હૈયા કુમારની નજીક આવે છે અને પહેલા તેમને માળા પહેરાવે છે અને પછી અચાનક કન્હૈયા કુમારને લાફો ઝીંકી દે છે. આ ઘટનાનો વીડિયો જોતા એવું લાગે છે કે જાણે આ ઘટના પૂર્વાયોજિત હતી.
ભાજપ સાંસદ પર આરોપ...
કન્હૈયા કુમારના કાર્યાલય દ્વારા આ મામલે ભાજપ સાંસદ મનોજ તિવારીને દોષિત ઠેરવાયા છે અને તેમના પર આરોપ મઢવામાં આવ્યા છે. કન્હૈયા કુમારના કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે કન્હૈયાને મળી રહેલું જંગી સમર્થન મળી રહ્યું છે તેનાથી નારાજ મનોજ તિવારી તેમના સાથી ગુંડાઓને મોકલીને કન્હૈયા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જનતા તેનો જવાબ આપશે.
ઘટના બાદ કન્હૈયા કુમારના સમર્થકો વિફર્યા અને...
કન્હૈયા કુમાર પર એકાએક થપ્પડના કારણે કન્હૈયાના સમર્થકો ત્યાં સક્રિય થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કન્હૈયાના સમર્થકોએ થપ્પડ મારનાર વ્યક્તિને ખૂબ જ ખરાબ રીતે ધોઈ નાખ્યો હતો.