કન્હૈયાલાલનો હત્યારો ભાજપ સાથે જોડાયેલો : ગેહલોતના આરોપથી હોબાળો
- ચૂંટણી સમયે ઉદયપુરનો સનસની હત્યાકાંડ ફરી ચર્ચામાં
- કન્હૈયાની હત્યા પહેલા એક મામલામાં આરોપી પકડાયો હતો, ભાજપના નેતા છોડાવવા પોલીસ સ્ટેશન ગયા હતા : મુખ્યમંત્રી
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની બે શખ્સોએ ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડને લઇને હવે ભાજપ અને કોંગ્રેસ બન્ને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે. અગાઉ ભાજપના નેતાઓએ આ હત્યાકાંડ મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરી હતી. એવામાં હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો દાવો કર્યો છે. ગેહલોતે કહ્યું છે કે કન્હૈયાલાલનો એક હત્યારો ભાજપ સાથે જોડાયેલો છે.
૨૫મી નવેમ્બરે રાજસ્થાનમાં મતદાન થવાનુ છે, એવામાં રાજકીય માહોલ વધુ ઉગ્ર બની રહ્યો છે. મુખ્યમંત્રી ગેહલોતે જોધપુરમાં પત્રકારોની સાથે વાતચીતમાં મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કન્હૈયાલાલની હત્યામાં સામેલ એક આરોપી ભાજપ સાથે જોડાયેલો છે. જો આ હત્યાકાંડની તપાસ એનઆઇએના બદલે રાજસ્થાન પોલીસે કરી હોત તો યોગ્ય દિશામાં તપાસ થઇ શકી હોત.
ગેહલોતે કહ્યું હતું કે કન્હૈયાલાલની હત્યા દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. જેની જાણકારી મળતા જ મે મારા બધા કાર્યક્રમો રદ કરી દીધા હતા અને ઉદયપુર રવાના થઇ ગયો હતો. જોકે આ હત્યાકાંડની જાણકારી હોવા છતા ભાજપના અનેક નેતાઓએ હૈદરાબાદમાં કાર્યક્રમો યોજ્યા હતા. ઘટનાના દિવસે જ એનઆઇએએ તપાસ હાથમાં લીધી હતી, કેન્દ્રીય એજન્સીએ શું તપાસ કરી તેને લઇને કોઇને કઇ જ જાણકારી નથી. જો તપાસ રાજસ્થાન પોલીસની એસઓજીના હાથમાં હોત તો આરોપીઓને ક્યારના ન્યાયના કઠેડામાં ઉભા કરી દેવાયા હોત.
ગેહલોતે વધુમાં મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે કન્હૈયાના હત્યારાઓની ઘટનાના અગાઉ અન્ય એક મામલામાં પોલીસે ધરપકડ કરી હતી. જોકે હત્યારાઓને છોડાવવા માટે ભાજપના નેતા પોલીસ સ્ટેશન પણ ગયા હતા.
તેથી ગેહલોતે દાવો કર્યો હતો કે કન્હૈયાલાલને ભાજપના નેતાઓએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હત્યાકાંડની દેશભરમાં ચર્ચા થઇ હતી. જે હત્યારાઓએ ધર્મની આડમાં કન્હૈયાલાલની હત્યા કરી દીધી હતી. જોકે પોલીસે તેમને તુરંત જ ઝડપી લીધા હતા.