‘રાક્ષસો સાથે જે થાય, તે જ થયું’ મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો અંગે કંગનાએ MVA પર સાધ્યું નિશાન
Maharashtra Assembly Election Results 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનની શરમજનક હાર થયા બાદ BJP સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરવા ઉપરાંત એમવીએની તુલના રાક્ષસો સાથે કરી છે.
મહારાષ્ટ્રમાં અમારી પાર્ટીની ઐતિહાસિક જીત : કંગના
કંગના રનૌતે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જીત અમારી પાર્ટીની ઐતિહાસિક જીત છે. અમે બધા કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત થયા છે. અમે મહારાષ્ટ્ર તેમજ દેશભરની જનતાનો આભાર માનીએ છીએ. જ્યારે કંગનાને એમ પૂછવામાં આવ્યું કે, ઉદ્ધવ ઠાકરેની શરમજનક હાર થશે તેવી તમને આશા હતી ? તો તેમણે કહ્યું કે, ‘શિવસેના યુબીટીની હાર થશે, તેવી મને આશા હતી. ઈતિહાસ સાક્ષી છે અને મારી ઘણી રીલ પણ વાયરલ થઈ છે.’
કંગનાએ MVAની તુલના રાક્ષસો સાથે કરી
તેમણે કહ્યું કે, ‘આપણે રાક્ષસો અને દેવતાઓને કેવી રીતે ઓળખી કાઢીએ છીએ. જેઓ મહિલાઓની ઈજ્જર ઉતારે છે, તેઓ રાક્ષણ જેવા હોય છે. અમારી પાર્ટીએ મહિલાઓને અનામત, અનાજ, ગેસ સિલિન્ડર અને શૌચાલય વગેરે આપ્યું છે. તેના પરથી ખ્યાલ આવવો જોઈએ કે, કોણ રાક્ષણ છે અને કોણ દેવતા છે. રાક્ષસો સાથે જે થાય છે, તે જ થયું છે, તેમની હાર થઈ છે.’
‘કેટલાક મુર્ખાઓ એક થવાથી દેશના ટુકડા ન થઈ શકે’
ભાજપ સાંસદે વધુમાં કહ્યું કે, ‘મહાભારતમાં એક જ પરિવાર હતો, છતાં તેમના તફાવત હતો. તમે જાણો છો કે, મારું ઘર તોડવામાં આવ્યું, મને અપશબ્દો બોલવામાં આવ્યા. તે લોકોની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ હતી. પ્રજાએ કોંગ્રેસને પણ મજબૂત જવાબ આપ્યો છે. આપણો દેશ ઘણા લોકોના બલિદાનથી બન્યો છે. કેટલાક મુર્ખાઓ એક થવાથી દેશના ટુકડા ન થઈ શકે.
કંગનાને પૂછવામાં આવ્યું કે, તમે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે કોને જુઓ છો ? તો તેમણે કહ્યું કે, હાઈકમાન્ડે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેશે. અમારી પાસે નેતૃત્વ સંભાળી શકે તેવા અનેક લોકો છે.’
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પરાજય બાદ MVAમાં ડખાં શરૂ! કોંગ્રેસે ઠાકરે-પવાર પર લગાવ્યા આક્ષેપ
મહાયુતિની ભવ્ય જીત, મહા વિકાસ અઘાડીની શરમજનક હાર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધના સાથી પક્ષો ભાજપે 132, શિવસેનાએ 57, NCPએ 41, JSSએ 2, RYSP અને RSVAએ એક-એક બેકક જીતી છે, આમ મહાયુતિએ કુલ 234 બેઠકો જીતવાની સાથે ફરી સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. જ્યારે મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો શિવસેના યુબીટીએ 20, કોંગ્રેસે 16, NCPSPએ 10, સમાજવાદી પાર્ટીએ બે, CPIM અને PWPIએ એક-એક બેઠક પર જીત નોંધાવી છે. આમ આ ગઠબંધને કુલ 50 બેઠકો જીતી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો અપક્ષે બે બેકો, RSPK અને AIMIMએ એક-એક બેઠક જીતી છે.