VIDEO: કંગનાને CISF મહિલા જવાને લાફો કેમ માર્યો, ચાર વર્ષ પહેલા શું બની હતી ઘટના
Kangana Ranaut Allegation Slapped Her : હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની ભાજપ (BJP) સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારવા મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો થપ્પડ મારનાર CISFની આરોપી મહિલા કર્મચારી કુલવિંદર કૌરનો છે. વીડિયોમાં તેનો ગુસ્સો જોઈ અને વાત સાંભળી લાગી રહ્યું છે કે, તે ખેડૂત આંદોલન અંગે કંગનાએ આપેલા નિવેદનથી નારાજ હતી.
થપ્પડ મારનાર મહિલા આ કારણે ગુસ્સે થઈ
જે વીડિયો સામે આવ્યો છે, તેમાં સીઆઈએસએફની મહિલા કર્મચારી બોલી રહી છે કે, ‘કંગનાએ કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસે છે, ત્યાં મારી મા હતી’
એરપોર્ટ પર શું બની હતી ઘટના?
ઉલ્લેખનીય છે કે, સાંસદ કંગના રણૌતની ફરિયાદ મુજબ, તેઓ દિલ્હી જવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સિક્યોરિટી ચેક ઈન બાદ બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે (CISF યુનિટ, ચંડીગઢ એરપોર્ટ) તેમનો થપ્પડ મારી, ત્યારબાદ કંગના રણૌત સાથે પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ મયંક મધુરે કુલવિન્દરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. '
આરોપી CISFની કર્મચારી સસ્પેન્ડ
હાલ આરોપી સીઆઈએસએફની મહિલા કર્મચારીને કસ્ટડીમાં લેવાઈ છે. આ ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે. કંગનાની ફરિયાદ બાદ તેની વિરુદ્ધ FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
થપ્પડની ઘટના બાદ કંગનાએ શું કહ્યું?
કંગના રણૌતે ઘટના અંગે તમામ માહિતી આપી છે. તેણે કહ્યું કે, ‘હું સુરક્ષીત છું. આજે હું ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ કરાવતી હતી, ત્યારે મારી સાથે ઘટના બની. હું સિક્યોરિટી ચેકિંગ કરાવ્યા બાદ આગળ નિકળી, ત્યારે બીજી કેબિનમાં એક CISF મહિલા કર્મચારી બેઠી હતી. તે મારા આગળ આવવાની અને ક્રોસ કરવાની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે મારી બાજુમાં આવી અને મારા પર હિટ કર્યું, અપશબ્દો પણ બોલ્યા હતા. મેં જ્યારે તેણે પૂછ્યું કે, તમે આવું કેમ કર્યું, તો તેણે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. મારી ચિંતા એ છે કે પંજાબમાં વધી રહેલા આતંકવાદ અને ઉગ્રવાદને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે.
થપ્પડકાંડની ઘટના કેમ બની?
કંગનાને થપ્પડ મારવાની ઘટના બનવા પાછળનું એક કારણ ખેડૂત આંદોલન છે. વાસ્તવમાં જે CISF મહિલા કર્મચારીએ કંગનાને થપ્પડ મારી છે, તે ગુસ્સો આજથી ચાર વર્ષ પહેલાનો, એટલે કે 2020નો છે. તે વખતે કંગનાએ ખેડૂત આંદોલનની પોસ્ટર લેડી તરીકે પ્રખ્યાત થયેલી એક વૃદ્ધ મહિલા અંગે વાંધાજનક ટ્વિટ કરી હતી. આ વૃદ્ધ મહિલાનું નામ મોહિંદર કૌર હતું. વળી ગયેલી કમર હોવા છતાં તેઓ ખેડૂત આંદોલનનો ઝંડો લહેરાવતા-લહેરાવતા ચાલતા રહ્યા હતી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા અને ખૂબ વાયરલ પણ થયા હતા.
કંગનાએ 2020માં શું ટીપ્પણી કરી હતી?
તે વખતે અભિનેત્રી કંગના રણૌતે મોહિંદર કૌરની તસવીરને ટ્વિટ કરી હતી અને તેમની તુલના CAA આંદોલનમાં સામેલ શાહીન બાગની 82 વર્ષની વૃદ્ધ મહિલા બિલકિસ બાનો સાથે કરી કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘હા... હા... આ એજ દાદી છે, જેમને ટાઈમ મેગેઝીનની 100 પ્રભાવશાલી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા... અને આ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.’ જોકે કંગના રણૌતે આ ટ્વિટ પછી ડિલિટ કરી નાખ્યું હતું.