કંગના સહિત ભાજપના બે સાંસદો સંકટમાં! સાંસદ પદ ગુમાવવાનો ડર, હાઈકોર્ટ પહોંચી ગયો મામલો
BJP 2 MP In trouble, Kangana Ranaut News | ભાજપના બે સાંસદોના સાંસદપદ પર સંકટ મંડરાઈ રહ્યું છે. આ બન્ને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત અરજી હાઈકોર્ટમાં કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં ઇન્દોર લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બન્ને સીટ ઉપરની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે.
આ બે સાંસદો પર સંકટ
મંડી લોકસભા સીટ ઉપર સાંસદ તથા બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રણૌતે જીત મેળવી હતી. જો કે મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બન્ને કેસમાં અરજદારોએ ચૂંટણી પરિણામોને રદ કરવાની માગ કરી છે.
અપક્ષ ઉમેદવારે કંગના વિરુદ્ધ કરી આ ફરિયાદ
મંડીથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા રામ નેગીએ તેમનું નોમિનેશન રદ કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો આરોપ છે કે, હું અપક્ષ તરીકે ચૂંટણી લડવા માગતો હતો અને નોમિનેશન પણ ફાઈલ કર્યું હતું પણ નક્કી સમયે એનઓસી ન મળતાં રિટર્નિંગ અધિકારીએ મારું નોમિનેશન રદ કરી દીધું હતું.
ઈન્દોરમાં લાલવાણી વિરુદ્ધ કઈ ફરિયાદ થઈ?
ઈન્દોર બેઠક પર ભાજપે આઠ વખત લોકસભામાં ચૂંટણી જીતી છે. આ વખતે સાંસદ તરીકે ચૂંટાયેલા શંકર લાલવાણી અહીં નગર નિગમમાં સભાપતિ જેવા મહત્ત્વપૂર્ણ પદ પર કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેઓ ત્રણ વખત કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. સિંધી સમાજથી આવતાં લાલવાણી વિશે કહેવાય છે કે તેઓ સુમિત્રા મહાજન અને શિવરાજ સિંહ ચૌહાણની નજીક છે. તેમની સામે ઈન્દોર બેન્ચ સમક્ષ સૈન્યમાંથી નિવૃત્ત ધર્મેન્દ્ર સિંહ ઝાલાએ અરજી કરી છે. તેમણે ફરિયાદ કરી છે કે, મેં પણ નોમિનેશન ફાઈલ કર્યું હતું પણ મારું ફોર્મ રિજેક્ટ કરાયું હતું. જો કે મારું તો બેકગ્રાઉન્ડ પણ સાફ હતું. ભાજપે ગરબડ કરીને મારું નોમિનેશન રદ કરાવ્યું કેમ કે સામાન્ય નાગરિકો વચ્ચે મારી ઓળખ વધી ગઈ હતી. મારા ફોર્મ ઉપર પણ મારા નામે નકલી સહી કરવામાં આવી હતી.