કંગના રણૌત સામે ચૂંટણી લડશે કોંગ્રેસના 'યુવરાજ', સત્તાવાર જાહેરાત પહેલા જ માતાએ આપ્યું નિવેદન
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર કોંગ્રેસ તરથી વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડશે. આ અંગેની જાહેરાત હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે કરી છે. પરંતુ પક્ષે હજુ સુધી વિક્રમાદિત્ય સિંહના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે, ભાજપે મંડી બેઠક પર બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌતને ઉમેદવાર જાહેર કર્યા છે.
વિક્રમાદિત્ય સિંહના નામ પર સર્વસંમતિ બની: પ્રતિભા સિંહ
હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, 'કંગના શું કરી રહી છે કે શું કહી રહી છે, તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. મંડીના લોકો હંમેશા અમારી સાથે છે. અમે જે બે-ત્રણ નામ શોર્ટલિસ્ટ કર્યા હતા, તેના પર ચર્ચા થઈ હતી. તે હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે પર નિર્ભર કરે છે કે તેઓ કયા નામોને મંજૂરી આપે છે. અમારા તમામ વરિષ્ઠ નેતાઓ માને છે કે આ વખતે યુવા નેતાને મેદાનમાં ઉતારવા જોઈએ. તેથી વિક્રમાદિત્ય સિંહના નામ પર સર્વસંમતિ બની છે.'
વિક્રમાદિત્ય સિંહના રાજવી પરિવાર સાથે સંબંધ
વિક્રમાદિત્ય સિંહ હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. તેમના માતા પ્રતિભા સિંહ હિમાચલ પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ છે. તેઓ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 2021માં તેમના પિતાના અવસાન બાદ તેમને રાજા બનાવવામાં આવ્યા હતા. તેમનો જન્મ 17મી ઓક્ટોબર 1989માં થયો હતો. હિમાચલ પ્રદેશની બિશપ સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતી અને સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર વિવાદ
અહેવાલો અનુસાર, જો વિક્રમાદિત્ય સિંહને મંડી બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવે છે, તો તે કોંગ્રેસની અંદર ચાલી રહેલા વિવાદને દૂર કરવામાં મદદ કરશે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે વિક્રમાદિત્ય સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતારીને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને ઘટાડવાનો પ્રયાસ કરશે.
ભાજપ ફરીથી મંડી બેઠક કબજે કરવા માગે છે
ભાજપ ફરી એકવાર મંડી બેઠક કબજે કરવા માગે છે. જેને લઈને પક્ષે અભિનેત્રી કંગના રણૌતને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલ પ્રદેશમાં એક્ટિવ જોવા મળી રહી છે. અહીં લોકસભા અને છ વિધાનસભા બેઠક માટે પહેલી જૂને એક જ તબક્કામાં મતદાન થશે.