VIDEO: સાંસદ બનતા જ કંગના રણૌતને મળી CISF મહિલા જવાનની થપ્પડ, ચંડીગઢ એરપોર્ટ પર હંગામો
Kangana Ranaut Allegation Slapped Her : હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જીતનાર કંગના રણૌત સાથે ગંભીર ઘટના બની છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગનાને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ માર્યો હોવાની ઘટના બની છે. આ મામલે કંગનાએ ફરિયાદ નોંધાવી છે.
અભિનેત્રીએ ફરિયાદ નોંધાવી
કંગનાની ફરિયાદ મુજબ તેઓ દિલ્હી જવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સિક્યોરિટી ચેક ઈન બાદ બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે (CISF યુનિટ, ચંડીગઢ એરપોર્ટ) તેમનો થપ્પડ મારી, ત્યારબાદ કંગના રણૌત સાથે પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ મયંક મધુરે કુલવિન્દરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. હાલ આરોપી સીઆઈએસએફની મહિલા જવાન કસ્ટડીમાં છે. આ ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે.
થપ્પડ મારવા બદલ શું છે સજા?
કોઈને થપ્પડ મારવી ગુનો છે. આ પ્રકારના મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 323 હેઠળ કેસ નોંધાય છે. આ કલમ હેઠળ કોઈ પોતાની ઈચ્છાથી કોઈને નુકસાન પહોંચાડે, તો તેને એક વર્ષની સજા અને રૂપિયા એક હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. જો કે આ પ્રકારના કેસમાં અન્ય કોઈ બાબત સામે આવે તો કોર્ટ સજામાં ફેરફાર પણ કરી શકે છે અથવા અરજી ફગાવી પણ શકે છે.
દિલ્હી પહોંચી કંગના રણૌત
હાલ કંગના રણૌત દિલ્હી પહોંચી ગઈ છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના અંગે માહિતી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ચંડીગઢ એરપોર્ટ પર કર્ટનર એરિયામાં કૉન્સ્ટેબલ કુલવિંદર કૌરે મારી સાથે બોલાચાલી કરી અને મને થપ્પડ મારી. હાલ કુલવિંદરને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સીઆઈએસએફ દ્વારા CCTV ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કંગનાની મંડી બેઠક પર શાનદાર જીત
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની ધાકડ ક્વિન કંગના રણૌત હવે રાજકારણમાં પણ ક્વિન બની ગઈ છે. લોકસભા ચૂંટણી-2024માં ભાજપની ઉમેદવાર કંગના રણૌતે મંડી બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે. તેણે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને વર્તમાન સાંસદના પુત્ર વિક્રમાદિત્ય સિંહને પરાજય આપી ભાજપનો ભગવો લહેરાવ્યો છે.