કંચનજંઘા એક્સપ્રેસને ગૂડ્સ ટ્રેન પાછળથી અથડાતાં નવનાં મોત
- મૃતકોના પરિવારને દસ લાખ રૂપિયાનું વળતર અપાશે
- ગૂડ્સ ટ્રેને રેડ સિગ્નલનું પાલન ન કરતાં તે ટ્રેક પર ઊભેલી અગરતલાથી સીલ્ડાહ જતી ટ્રેનને અથડાઈ
કોલકાતા,નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ જિલ્લામાં થયેલા રેલ્વે અકસ્માતમાં નવના મોત થયા હતા અને ૪૧ ઇજા પામ્યા છે. કંચનજંઘા એક્સપ્રેસને ગૂડ્સ ટ્રેને પાછળથી ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી, એમ વરિષ્ઠ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું. મૃત્યુ પામેલામાં ગૂડસ ટ્રેનનો ડ્રાઇવર અને કંચનજંઘા એક્સપ્રેસના ગાર્ડનો સમાવેશ થાય છે, એમ તેણે ઉમેર્યું હતું.
ઇજાગ્રસ્તોને નોર્થ બેંગાલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૫ છે. આ દુર્ઘટના રંગપાણી સ્ટેશન નજીક બની હતી. આ સ્તળ ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી ૩૦ કિ.મી. દૂર આવેલું છે. આ દુર્ઘટનાના લીધે કંચનજંઘા એક્સપ્રેસના ચાર ડબ્બા ખડી પડયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દિલસોજી પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાઓના કુટુંબીઓ સમક્ષ તેઓ આ ઘટના માટે દિલસોજી વ્યક્ત કરે છે. તેમની અનુકંપા તેમની સાથે છે. તેની સાથે ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરે છે. રસ્તો અમુક જગ્યાએથી સાંકડો હોવાથી રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે બાઇક પર પહોંચ્યા હતા. તેમણે રાહત કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃત્યુ પામેલાઓના સગાસંબંધીઓ અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની જાહેરાત કરી હતી.
મૃત્યુ પામેલાના કુટુંબીને દસ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને ૨.૫ લાખ રુપિયા તથા સામાન્ય ઇજા પામેલાને ૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. વૈષ્ણવે જણાવ્યું હતું કે કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટીએ આ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે પગલાં ભરવામાં આવશે.
રેલ્વે બોર્ડના ચેરમેન જયા વર્મા સિહાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગૂડ્સ ટ્રેને સિગ્નલ ન માનતા તે કંચનજંઘા એક્સપ્રેસને જઈ અથડાઈ હતી. આ ટ્રેન અગરતલાથી સીલ્ડાહ જઈ રહી હતી. રેલ્વે અધિકારીઓ પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ પેસેન્જર ટ્રેન ટ્રેક પર ઉભી હતી ત્યારે ગૂડ્સ ટ્રેને તેને પાછળથી ટક્કર મારી હતી. આંતરિક દસ્તાવેજો દર્શાવે છે કે ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ ફેઇલ ગઈ હોવાથી ગૂડ્સ ટ્રેનને બધા રેડ સિગ્નલ વટાવી જવાની છૂટ આપવામાં આવી હતી.