કાંચનજંગા ટ્રેન કેમ શરૂ કરાઈ હતી, શું છે તેનો સંપૂર્ણ રૂટ અને તેનું નામ કેવી રીતે પડ્યું?
Kanchanjungha Express: પશ્ચિમ બંગાળમાં વધુ એક ગમખ્વાર ટ્રેન અકસ્માત થયો છે. પાછળથી પૂરપાટ ઝડપે આવતી માલગાડીએ અકસ્માત સર્જતા કાંચનજંગા એક્સપ્રેસ (13174)ના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે અને અંદાજે 8થી 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ટ્રેન ક્યારે અને કેમ શરૂ કરવામાં આવી હતી, શું છે તેનો સંપૂર્ણ રૂટ ? આવો આ અહેવાલમાં જાણીએ સમગ્ર માહિતી....
કાંચનજંગા એક્સપ્રેસ પહેલીવાર 8 ઓક્ટોબર 2016ના રોજ દોડતી થઈ હતી. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા અને ત્રિપુરાની રાજધાની અગરતલાને જોડે છે. નરેન્દ્ર મોદી સરકારે ચિકન નેકની બીજી બાજુના વિસ્તારને ભારત સાથે વધુ સારી રીતે જોડવા માટે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી હતી. પશ્ચિમ બંગાળમાં સિલિગુડીને ચિકન નેક કહેવામાં આવે છે અને ત્યારબાદના અન્ય રાજ્યોમાં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે. આ રાજ્યો અને બાકીના ભારત વચ્ચે ખૂબ ઓછો વેપાર થતો હતો તેથી, ઉત્તર પૂર્વના લોકો, ખાસ કરીને ત્રિપુરા, સારી કનેક્ટિવિટીની માંગ કરી રહ્યાં હતા. 31 જુલાઈ, 2016ના રોજ તત્કાલિન રેલવે મંત્રી સુરેશ પ્રભુએ અગરતલાથી દિલ્હી (આનંદ વિહાર) સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ચલાવવા માટે લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં સુરેશ પ્રભુએ ઉત્તર-પૂર્વના રાજ્યોના વિકાસને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં અગરતલાથી કોલકાતાને સીધી જોડતી ટ્રેન દોડાવવાની વાત કરી હતી.
આ જાહેરાતના માત્ર 3 મહિનામાં જ કાંચનજંગા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. તેને ચલાવવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન ઉત્તર-પૂર્વના રાજ્યોને બાકીના ભારત સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનું હતું અને તે ક્ષેત્રનો વિકાસ પણ હતો.
નામ કેમ કાંચનજંગા એક્સપ્રેસ રખાયું ?
કાંચનજંગા વિશ્વના સૌથી ઊંચા પર્વતોમાં ત્રીજા નંબરે આવે છે. હિમાલયની શ્રેણીમાં આવેલ કાંચનજંગા પર્વતની ઊંચાઈ 8,586 મીટર (28,169 ફૂટ) છે. જોકે 1852 સુધી એવું માનવામાં આવતું હતું કે કાંચનજંગા સૌથી ઉંચો પર્વત હતો પરંતુ બાદમાં જ્યારે જુદા-જુદા સર્વે કરવામાં આવ્યા ત્યારે તેને ત્રીજું સ્થાન મળ્યું છે. કાંચનજંગાની સુંદરતા એવી છે કે એક વાર કોઈ પ્રવાસી ત્યાં પહોંચે તો તે ક્યારેય આ સ્થળેથી પાછો જવા માંગતો નથી.
Kanchanjungha Express ટ્રેન રૂટ :
આ ટ્રેન પશ્ચિમ બંગાળના સિયાલદાહથી ચાલે છે અને બર્ધમાન, માલદા, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ બોગનગાંવ, ગુવાહાટી, લુમડિંગ અને કરીમકંજ થઈને કાંચનજંગા પહોંચે છે, તેથી તેનું નામ કાંચનજંગા એક્સપ્રેસ રાખવામાં આવ્યું હતું. ભારતના કોઈપણ ભાગમાંથી કાંચનજંગા જનારા પ્રવાસીઓ માટે આ એકમાત્ર ટ્રેન છે.
આ ટ્રેનના મહત્વના સ્ટોપેજમાં સિયાલદહ, દક્ષિણેશ્વર, બર્ધમાન જંક્શન, બોલપુર શાંતિનિકેતન, સૈંથિયા જંક્શન, રામપુરહાટ જંક્શન, માલદા ટાઉન, ન્યૂ જલપાઈગુડી (સિલિગુડી), ન્યૂ કૂચ બિહાર, ન્યૂ અલીપુરદ્વાર, કામાખ્યાગુડી રેલવે સ્ટેશન, ગોસાઈગાંવ હાટ, ફકીરાગ્રામ જંક્શન, કોકરાજઝાર, ન્યૂ બોંગાઈગાંવ જંક્શન, બારપેટા રોડ, રંગિયા જંક્શન, કામાખ્યા જંક્શન, ગુવાહાટી, લુમડિંગ, ન્યૂ હાફલોંગ, બદરપુર જંક્શન, સિલચર અને અગરતલાનો સમાવેશ થાય છે.