પેટા ચૂંટણીમાં 'જાયન્ટ કિલર' બનીને ઉભર્યા કોંગ્રેસી CMના પત્ની, ભાજપના ગઢમાં જીત
Kamlesh Thakur Wins : 10 જુલાઈના રોજ હિમાચલ પ્રદેશ સહિત 7 રાજ્યોની 13 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં હિમાચલ પ્રદેશની ત્રણ બેઠકો પર પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તમામ બેઠકોના પરિણામો આજે (13 જુલાઈ) જાહેર થઈ રહ્યાં છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપે હમીરપુરથી જીત મેળવી છે. ત્યારે દેહરા બેઠક પરથી સીએમ સુખવિંદર સિંહ સુક્ખુના પત્ની કમલેશ ઠાકુરે ભાજપના ઉમેદવાર હોશિયાર સિંહને હરાવીને જીત હાંસલ કરી છે. ચાલો જાણીએ કોણ છે કમલેશ ઠાકુર.
ભાજપના હોશિયાર સિંહને હરાવી કમલેશ ઠાકુરે જીત મેળવી
હિમાચલ પ્રદેશની 2012માં અસ્તિત્વમાં આવેલી દેહરા બેઠક શરૂઆતથી જ ભાજપના હાથમાં છે. જેમાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના હોશિયાર સિંહે જીત મેળવી હતી. પરંતુ આ વખતેની ચૂંટણીમાં સીએમ સુક્ખુની પત્નીએ તેમને હાર આપી હતી. જેમાં કમલેશ ઠાકુરની જીત થતાં તેમણે જનતાનો આભાર માનતાં જણાવ્યું હતું કે, 'જીતનો શ્રેય અહીંની જનતાને જાય છે. અહીંના ભાઈ-બહેનોએ મને ખભાથી ખભો મળવાની સાથ આપ્યો છે.' એક પ્રશ્નમાં તેમણે જણાવ્યું હતું કે, 'સીએમ સાહેબે તેમની ફરજ નિભાવી ને મેં મારી'.
સીએમ સુક્ખુએ પત્ની કમલેશને જીત માટે અભિનંદન પાઠવ્યાં
કમલેશ ઠાકુર છેલ્લા બે દાયકાથી હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂંક્યાં છે. તેવામાં તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યાં હતા. આમ હિમાચલ પ્રદેશનું દેહરા કમલેશનું પિયર પણ છે. બીજી તરફ, પત્નીની જીત થતાં સુક્ખુએ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'દેહરા વિધાનસભાની પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતા'. આ ઉપરાંત સુક્ખુએ પત્નીને ચૂંટણી લડાવા અંગેની વાત કરતાં જણાવ્યું હતું કે, 'દેહરા બેઠક પર કમલેશને ચૂંટણી લડાવવાનો નિર્ણય પાર્ટીનો હતો. હું નહોતો ઈચ્છતો કે મારી પત્ની ચૂંટણી લડે, પરંતુ હાઈ કમાન્ડના આદેશને ધ્યાનમાં રાખીને મે ચૂંટણી લડવાની ના પાડી ન હતી.'
કમલેશ ઠાકુર છે કરોડોની માલકીન
કમલેશ ઠાકુરે તેમના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યાં પ્રમાણે, 9.14 કરોડ રૂપિયાની તેઓ મિલકત ધરાવે છે. કમલેશ ઠાકુર પાસે તેમના પતિ અને બે પુત્રીઓના ભાગીદારીની 90.88 લાખ રૂપિયાની જંગમ મિલકત સહિત 8.23 કરોડ રૂપિયાની કાયમી સંપત્તિ છે. આ સાથે કમલેશ ઠાકુર પાસે 20.70 લાખ રૂપિયાની જ્વેલરી, 51.79 લાખ રૂપિયાનો ફ્લેટ સહિત નાદૌન, શિમલા અને બદ્દીમાં જમીન પણ છે. જ્યારે સીએમ સુખુ પાસે 5.31 કરોડ રૂપિયાની કાયમી સંપત્તિ અને 31.26 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે.