કમલનાથ ભાજપમાં જવાની અટકળો હતી, પરંતુ તેઓ તો 4 દિવસ રાહુલ સાથે યાત્રામાં જોડાવાના છે
- કમલનાથ પોતાના પુત્ર અને છિંદવાડાના સાંસદ નકુલનાથ સાથે ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડયું હતું
ભોપાલ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચેની ભારત જોડો ન્યાય યાત્રા મધ્ય પ્રદેશમાંથી પસાર થશે ત્યારે ચાર દીવસ તેઓ યાત્રામાં સામેલ રહેશે, તેમ કોંગ્રેસના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે કમલનાથ, બીજી માર્ચે ગ્વાલિયર પહોંચશે, અને ૬ઠ્ઠી માર્ચ સુધી યાત્રામાં સાથે રહેશે.
યાત્રા પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી, મુશ્તૈાના માર્ગે બીજી માર્ચે મધ્ય પ્રદેશમાં દાખલ થશે અને ૬ઠ્ઠી માર્ચે ફરી રાજસ્થાનમાં પ્રવેશ કરતાં પહેલાં ગ્વાલિયર, શિવપુરી, ગુના રાજગઢ, શાજાપુર, ઉજ્જૈન, ધાર અને રતલામ જિલ્લાઓમાંથી પસાર થશે.
આ સમાચારો તેવા સમેય વહેવા લાગ્યા કે જ્યારે કમલનાથના ગઢ મનાતા છિંદવાડામાંથી કેટલાયે કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં તેમનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું : કેટલાયે લોકો કેટલાયે સમયથી ચિંતા કરી રહ્યા હતા કે ઘણા લોકો (કોંગ્રેસ કાર્યકરો) ભાજપમાં જોડાશે અને બન્યું પણ તેવું. ભાજપમાં જોડાનારાઓમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી ઉજ્જવલસિંહ ચૌહાણ સાથે પાર્ષાદો, સરપંચો, જનપદ સદસ્ય અને અન્ય કાર્યકર્તાઓ સામેલ છે.
બીજી તરફ પૂર્વ મુ.મં. કમલનાથે, મધ્ય પ્રદેશના લોકો, અને કોંગ્રેસ કાર્યકર્તાઓને ભારત-જોડો ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ કહ્યું અન્યાય, અત્યાચાર, અને શોષણની વિરૂધ્ધ, આપણા સર્વેના નેતા, રાહુલ ગાંધીએ જેહાદ જગાવવાની અપીલ કરી છે, તેથી હું મ.પ્ર.ની જનતા અને કોંગ્રેસના જાંબાઝ કાર્યકર્તાઓને આગ્રહ કરૂં છું કે ભારત જોડો ન્યાય યાત્રામાં વધુ અને વધુ સંખ્યામાં સામેલ થઇ રાહુલ ગાંધીનું બળ અને સાહસ વધારો.