'બસ 6 દિવસ બાકી છે, કોઈને છોડીશું નહીં', ચૂંટણી વચ્ચે કમલનાથે અધિકારીઓને આપી ખુલ્લી ચેતવણી
આ પ્રથમ વખત નથી જ્યારે કોંગ્રેસના નેતાએ સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી
મધ્યપ્રદેશ વિધાનસભાની ગત ચૂંટણી 2018માં જીતીને જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી હતી
image : Twitter |
Madhya pradesh Election 2023 | મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા કમલનાથે (Kamalnath) એક ચૂંટણી સભા દરમિયાન નિવાડી જિલ્લા તંત્રને આગામી પાંચ વર્ષ વિશે વિચારતાં કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નિવાડીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા આરોપો અંગે વિસ્તારથી જણાવ્યાં વિના કમલનાથે કહ્યું કે તેમના કાર્યો માટે કોઈને બખ્શવામાં નહીં આવે.
કમલનાથે આપી ચેતવણી
તેમણે કહ્યું કે હું પૃથ્વીપુર અને નિવાડી તંત્રને એ જણાવી દેવા માગુ છું કે તમે જે કંઈ કરી રહ્યા છો, તેને ધ્યાનથી સાંભળજો અને પરમદિવસે નિર્ણય તમારા(પ્રજા) અને મારા દ્વારા કરવામાં આવશે. કોઈને છોડીશું નહીં. બસ 6 દિવસ બાકી છે. જે કરવું હોય તે કરી લો આગળ પાંચ વર્ષ પણ કાપવાના છે તમારે.
અગાઉ પણ કમલનાથ વિફર્યા હતા
આ પ્રથમ વખત નથી જ્યારે કોંગ્રેસના નેતાએ સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી છે. જાન્યુઆરીમાં પણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે નિવાડી જિલ્લાના અધિકારીઓ અને પોલીસકર્મીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેમને આઠ મહિનામાં જવાબદાર ઠેરવાશે. તેના પછી કમલનાથે પોલીસ પર બળજબરી કરવા અને તેમના દ્વારા જુઠ્ઠાં કેસ નોંધવાનો આરોપ મૂક્યો હતો.
2018માં બન્યા હતા સીએમ
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ વિધાનસભાની ગત ચૂંટણી 2018માં જીતીને જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી હતી ત્યારે કમલનાથે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જોકે 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ 22 ધારાસભ્યો સાથે બળવો કરીને ભાજપમાં જોડાઈ ગયા બાદ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ થઈ. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 114 બેઠકો જીતી હતી. જોકે ભાજપને 109 બેઠકો મળી હતી.