તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી
K Annamalai To Step Down As Tamil Nadu BJP Chief : તમિલનાડુના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ ટૂંક સમયમાં પદ છોડશે. આગામી પ્રદેશ પ્રમુખની નિયુક્તિ મામલે અન્નામલાઈએ સ્પષ્ટતા કરી છે કે તેઓ હવે રેસમાં નથી. માનવામાં આવી રહ્યું છે કે AIADMKને ખુશ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અન્નામલાઈને હટાવવાનો નિર્ણય લીધો છે.
કે. અન્નામલાઈએ આજે કહ્યું છે, કે 'ભાજપમાં પદ માટે નેતાઓ પ્રતિસ્પર્ધા નથી કરતા. અમે સૌ સાથે મળીને આગામી પ્રદેશ પ્રમુખની ચૂંટણી કરીશું. હું પદની રેસમાં નથી.' અન્નામલાઈએ વધુમાં કહ્યું છે કે હું ઇચ્છું છું કે પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ હોય, પક્ષના વિકાસ માટે અનેક લોકોએ પોતાના જીવ આપ્યા છે.
તમિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટી અને AIADMK વચ્ચે ફરી ગઠબંધન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. એવામાં અન્નામલાઈને હટાવીને અન્ય કોઈ નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે. વર્ષ 2023માં ભારતીય જનતા પાર્ટી અને AIADMK વચ્ચે ગઠબંધન તૂટી ગયું હતું. ગઠબંધન તૂટવા પાછળ ઘણા લોકો અન્નામલાઈને જવાબદાર ઠેરવ્યા હતા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી માટે જ્ઞાતિગત સમીકરણ પર ખૂબ ધ્યાન આપી રહી છે. AIADMKના નેતા પલાનીસ્વામી ગૌંડર સમાજથી આવે છે જ્યારે ભાજપ નેતા અન્નામલાઈ પણ ગૌંડર સમાજના જ છે. એવામાં ભારતીય જનતા પાર્ટી નથી ઇચ્છતી કે બંને સાથી પક્ષોના નેતા એક જ સમાજથી આવતા હોય.