તમિલનાડુમાં રાજકીય હલચલ! કે. અન્નામલાઈ ભાજપ પ્રમુખ પદ છોડી શકે, જાણો કેમ?
Tamil Nadu Assembly Elections: તમિલનાડુમાં આવતા વર્ષે (2026) વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ પહેલાથી જ વધી ગઈ છે. શું ડીએમકેને હરાવવા માટે ચૂંટણી પહેલા ભાજપ અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ વચ્ચે ગઠબંધન થશે? આ પ્રશ્ન દરેકના મનમાં છે. આ દરમિયાન એવા સમાચાર છે કે કે. અન્નામલાઈ ટૂંક સમયમાં ભાજપ તમિલનાડુ પ્રમુખનું પદ છોડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023માં એઆઈએડીએમકે અને ભાજપ વચ્ચેના અણબનાવનું મુખ્ય કારણ કે.અન્નામલાઈ હતા. હવે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની વાતચીત તીવ્ર બનતાં,કે.અન્નામલાઈ તમિલનાડુ ભાજપના પ્રમુખ પદ છોડી શકે છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, ભાજપ ચૂંટણી પહેલા એઆઈએડીએમકે સાથે જાતિ સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે, કે. અન્નામલાઈને ભાજપ પ્રમુખ પદ પરથી દૂર કરી શકાય છે. જો ભાજપ અને એઆઈએડીએમકે 2026ની વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડે છે, તો ભાજપ ઇચ્છતી નથી કે તેના અને એઆઈએડીએમકે બંનેના ચહેરા ગૌંડર સમુદાયના હોય. કે. અન્નામલાઈની જેમ એઆઈએડીએમકેના વડા એડપ્પડી કે. પલાનીસ્વામી પણ એ જ શક્તિશાળી પછાત સમુદાય અને પશ્ચિમ કોંગુ પ્રદેશ (જ્યાં ગૌંડર સમુદાયનું વર્ચસ્વ છે) માંથી આવે છે.
આ પણ વાંચો: ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર
સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન કે. અન્નામલાઈને આ વાત કહેવામાં આવી હતી. અમિત શાહ દિલ્હીમાં કે. અન્નામલાઈના થોડા સમય પહેલા પલાનીસ્વામીને મળ્યા હતા. ભાજપ અને એઆઈએડીએમકે વચ્ચે જોડાણ તરફ આ પહેલું ઔપચારિક પગલું હતું. આ પહેલા કે. અન્નામલાઈએ શુક્રવારે કહ્યું હતું કે, 'પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ તમિલનાડુમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)ને હટાવવા માટે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનનો નિર્ણય લેશે.'
ભાજપે અન્નામલાઈને શું સંદેશ આપ્યો?
યુવા નેતા કે. અન્નામલાઈના આક્રમક વલણને કારણે, ભાજપને તમિલનાડુમાં સારી ઓળખ મળી છે. જો કે, પાર્ટીને હજુ સુધી કોઈ મોટી ચૂંટણી સફળતા મળી નથી. કે. અન્નામલાઈને કહેવામાં આવ્યું કે દિલ્હી તેમના માટે ઉજ્જવળ ભવિષ્ય જુએ છે. નેતૃત્વએ તેમના તરફથી પક્ષની વ્યૂહરચનામાં વિશ્વાસ રાખવા અને તેનું પાલન કરવાની આશા પણ વ્યક્ત કરી. એવું માનવામાં આવે છે કે, કે. અન્નામલાઈએ પાર્ટી પ્રત્યે સંપૂર્ણ વફાદારી વ્યક્ત કરી છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 'કે. અન્નામલાઈને પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે કોઈ મૂંઝવણ નથી. તે કાર્યકર તરીકે કામ કરવા પણ તૈયાર છે.'