જુઓ... જ્યોતિરાદિત્ય સિંધિયાનો ગ્વાલિયરમાં આવેલો જય વિલાસ પેલેસ
ગ્વાલિયર, તા. 11 માર્ચ 2020 બુધવાર
ગ્વાલિયરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂર્વજોનો મહેલ છે. તેનું નામ જયવિલાસ પેલેસ છે. આ પેલેસની સુંદરતા સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતના જમાઈ છે. વડોદરાના સ્વ. રાજવી પ્રતાપસિંહ ગાયકવાડના ત્રીજા નંબરના પુત્ર સંગ્રામસિંહની પુત્રી પ્રિયદર્શિની સાથે જ્યોતિરાદિત્યએ લગ્ન કર્યા છે.
12,40,771 વર્ગ ફૂટમાં ફેલાયેલાં સિંધિયા ઘરાનાનાં આ મહેલનું નિર્માણ જીવાજીરાવ સિંધિયાએ 1874માં કરાવ્યુ હતુ. તેની ડિઝાઈન ફ્રાંસનાં આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસને સોંપવામાં આવ્યુ હતુ. તે સમયે તેની કિંમત લગભગ એક કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. વર્તમાનમાં તેની કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવે છે. આ મહેલમાં 400 રૂમો છે.
આ પેલેસમાં દુનિયાની નાયાબ વસ્તુઓ છે અને સાથે જ દિવાલોમાં પણ સોનાનું પોલિશ છે. ગ્વાલિયરનાં જય વિલાસ પેલેસનાં 40 રૂમોમાં હવે મ્યુઝીયમ બનાવી દેવામાં આવ્યું છે. આ ભવ્ય મ્યુઝિયમમાં સિંધિયાકાળનાં અસ્ત્ર-શસ્ત્ર, ડોલી, બગ્ગી અને કાચનાં પાયા પર રહેલી સીડીઓની રેલિંગને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
દરબાર હૉલ પેલેસની સૌથી મહત્વની જગ્યા છે. આ હૉલ 100 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને 41 ફૂટ ઉંચો છે. આ મહેલની સૌથી મોટી ખાસિયત, તેના દરબાર હોલમાં લગાવેલાં સાત-સાત ટનનું વજન ધરાવતા બે ઝુમ્મરો છે. જે દુનિયાનાં સૌથી વધુ વજન ધરાવતા ઝુમ્મરો છે.
તેને લગાવતા પહેલાં આર્કિટેક્ટે મહેલની છતની મજબૂતાઈને માપવા માટે સાત દિવસ સુધી છત ઉપર 10 હાથીઓને ઉભા રાખ્યા હતા. કહેવાઈ રહ્યુ છેકે, મહેલનાં ડાઈનિંગ હોલમાં ખાવાનું પીરસવા માટે ચાંદીની એક નાની ટ્રેન રાખવામાં આવી છે. આવી ઘણી આકર્ષક વસ્તુઓ મહેલની સુંદરતામાં વધારો કરે છે.
મહેલની અંદરની દિવાલો પર ઘણા દેશોનાં નકશાઓ અને કલાકૃતિઓની ઝલક દેખાશે. સિંધિયા ઘરાનાની સંપત્તિમાં ગ્વાલિયરનો જય વિલાસ પેલેસ, દિલ્હીનો સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસ સિવાય બીજી પણ સંપત્તિઓનો સમાવેશ થાય છે.
સિંધિયા રાજવંશના શાસક જીવાજીરાવ 8 વર્ષની ઉંમરમાં જ ગ્વાલિયરનાં મહારાજ બન્યા હતા. જ્યારે તેઓ યુવાન હતા, ત્યારે ઈંગ્લેન્ડનાં શાસક એડવર્ડનો ભારતમાં આવવાનો કાર્યક્રમ બન્યો હતો. જીવાજી મહારાજે એડવર્ડને ગ્વાલિયર આવવાનું આમંત્રણ આપ્યુ હતુ. ત્યારે તેમના સ્વાગત માટે તેમણે જયવિલાસ પેલેસ બનાવવાનો વિચાર કર્યો હતો.