શહીદ દીપક નૈનવાલના પત્ની જ્યોતિ બન્યા સૈન્ય અધિકારી
- કુલ 178 કેડેટ પાસઆઉટ થયા છે જેમાં 124 પુરૂષ, 29 મહિલાઓ અને 25 વિદેશી નાગરિકો સામેલ
નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર
તમિલનાડુની રાજધાની ચેન્નાઈ સ્થિત અધિકારી પ્રશિક્ષણ અકાદમી માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. આજે આ અકાદમીમાંથી શહીદ દીપક નૈનવાલના પત્ની જ્યોતિ નૈનવાલે પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને તેઓ સૈન્ય અધિકારી બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દીપક નૈનવાલ 2018ના વર્ષમાં જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદી અથડામણમાં શહીદ થયા હતા. નવનિયુક્ત ભારતીય સેના અધિકારી જ્યોતિ નૈનવાલને 2 બાળકો પણ છે. શનિવારે ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેઈનિંગ એકેડમી ખાતેથી તેઓ પાસઆઉટ થયા હતા. આ દરમિયાન તેમના બંને બાળકો પણ પીઓપીમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી પ્રશિક્ષણ અકાદમી ખાતેથી નૈનવાલ સહિત કુલ 178 કેડેટ પાસઆઉટ થયા છે જેમાં 124 પુરૂષ, 29 મહિલાઓ અને 25 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
શહીદ દીપક નૈનવાલ 10 એપ્રિલ, 2018ના રોજ જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદી અથડામણમાં ઘાયલ થયા હતા. તેમને 3 ગોળીઓ વાગી હતી પરંતુ તેમ છતાં તેઓ હિંમત નહોતા હાર્યા અને એક મહિના સુધી જિંદગી અને મોત વચ્ચે લડ્યા હતા. આખરે 20 મે, 2018ના રોજ તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. જોકે તેમના પત્ની જ્યોતિ હિંમત નહોતા હાર્યા અને તેમણે પતિની શહાદત બાદ દેશસેવા માટે સૈન્ય અધિકારી બનવાનું નક્કી કરી લીધું હતું. આખરે આજે 2.5 વર્ષે તેમનું સ્વપ્ન પૂર્ણ થયું છે.
શહીદ દીપક નૈનવાલને 2 બાળકો છે. દીકરી લાવણ્યા ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે દીકરો રેયાંશ પહેલા ધોરણમાં છે. રેયાંશને પોતાની માતા સેનામાં ઓફિસર બન્યા એ વાતનું ગર્વ છે અને તે પણ ભવિષ્યમાં ફોજી બનવા માગે છે.
દીપક નૈનવાલના પરિવારની 3 પેઢીઓ દેશસેવા સાથે સંકળાયેલી છે. દીપકના પિતા ચક્રધર નૈનવાલ પણ ફોજમાંથી નિવૃત્ત થયેલા છે. તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, કારગિલ યુદ્ધ અને અન્ય કેટલાય ઓપરેશન્સમાં હિસ્સો લીધેલો છે. તેમના પિતા અને દીપકના દાદા સુરેશાનંદ નૈનવાલ પણ સ્વતંત્રતા સેનાની હતા.