ભારત વિરુદ્ધ પુરાવા આપવામાં નિષ્ફળ છતાં કેનેડાનું ફરી એક વખત ચોંકાવનારું નિવેદન

ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લેવાની જરૂર

હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર જસ્ટિન ટ્રુડોએ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
ભારત વિરુદ્ધ પુરાવા આપવામાં નિષ્ફળ છતાં કેનેડાનું ફરી એક વખત ચોંકાવનારું નિવેદન 1 - image

કેનેડા અને ભારત (canada vs India Controversy) વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે.  બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઘેરાયો છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર મોદી સરકાર પ્રત્યે કડક મિજાજ અપનાવ્યું છે. ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે હરદીપ સિંહ નિજ્જર (hardip singh nijjar)ની હત્યાને લઈને જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. મીડિયા સાથે વાત કરતા જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે પણ આરોપો લાગ્યા છે તેની તપાસ કરવી જરૂરી છે. 

ટ્રુડો ભારત વિરુદ્ધ પુરાવા આપવામાં નિષ્ફળ 

જોકે આ દરમિયાન ટ્રુડો ભારતની સંડોવણી અંગે કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના લીધે વિવાદ વકરવાની સ્થિતિમાં છે. ભારતે કેનેડા દ્વારા મૂકવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ભારત સરકારે આ મામલે કહ્યું હતું કે કેનેડા તરફથી કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં આવ્યા નથી જે સાબિત કરે કે નિજ્જરની હત્યામાં ભારતની કે તેના કોઇ એજન્ટની સંડોવણી હતી. 

ટ્રુડોએ ફરીથી આરોપોનું પુનરાવર્તન કર્યું

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની થોડા મહિના પહેલા જ હત્યા કરવામાં આવી હતી. જસ્ટિન ટ્રુડોએ તે હત્યા પર મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે. ત્યારબાદથી બંને દેશો વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધો પણ વણસ્યા હતા. બંને દેશો એકબીજા સાથે વારાફરતી મોટી કાર્યવાહીઓ કરી રહ્યા છે અને નિવેદન આપી રહ્યા છે. 

ટ્રુડોએ લગાવ્યો મોટો આરોપ 

મીડિયા સાથે વાત કરતા જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અમારી પાસે વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી છે કે કેનેડિયન નાગરિકની હત્યામાં ભારત સરકારનો એક એજન્ટ સામેલ છે. જે દેશમાં કાયદાનું શાસન હોય ત્યાં આવી બાબતો ગંભીર બની જાય છે. અમારી પાસે એક સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે જે પગલાં લેશે, હું માત્ર ભારત સરકારને અપીલ કરું છું કે તેઓ સાથે આપે અને સત્ય બહાર આવે.

ભારતની કડક કાર્યવાહી

પોતાના આરોપોને યોગ્ય ઠેરવતા ટ્રુડોએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેઓ માત્ર એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે કોઈ અન્ય દેશ તમારી ધરતી પર કોઈને મારી નાખે ત્યારે તે કેટલી ગંભીર બાબત બની જાય છે. હવે ભારત સરકારે કેનેડાના આ વલણને ખૂબ ગંભીરતાથી લીધું છે. આ કારણોસર, કેનેડિયન નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે માત્ર OCI કાર્ડ ધરાવતા લોકો જ ભારત આવી શકશે.


Google NewsGoogle News