એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો
Justice Varma Cash Scam News : દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલી કરોડ રૂપિયાની રોકડ ક્યાંથી આવી એ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે રચેલી તપાસ સમિતી નથી શોધી શકી. દિલ્હી પોલીસ તો આ કેસમાં ભીનું સંકેલવામાં જ લાગી છે ત્યારે એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની આ કેસમાં એન્ટ્રી થઈ છે. ગ્રોકે જવાબ આપ્યો છે કે, જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રકમ ભારતી એરટેલ તરફથી મળેલી લાંચની રકમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માએ દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને 15 કરોડ રૂપિયાની લાંચ મળી હોવાનું કહેવાય છે. આ મુદ્દે હાલમાં પણ કોઈ નક્કર તથ્યો સામે આવ્યા નથી.
મહત્ત્વની વાત એ છે કે, દિલ્હી હાઈકોર્ટે 12 ડીસેમ્બર, 2024ના રોજ ચુકાદો આપ્યો હતો કે, ટેલીકોમ કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવતા મોબાઈલ ટાવર અચલ સંપત્તિ (ઈમ્મૂવેબલ એસેટ્સ) નથી પણ ચલ સંપત્તિ (મૂવેબલ એસેટ્સ) છે. આ કારણે ટેલીકોમ કંપની ટેલીકોમ ટાવર નાંખે તો તેના પર જીએસટી ના લગાવી શકાય પણ જીએસટી તરીકે કપાયેલી રકમ ઈનપુટ ટેક્સ ક્રેટિડ (આઈટીસી) તરીકે સરકારે પાછી આપવી પડે. ભારતી એરટેલ દ્વારા ટાવરના ખર્ચ માટે ઈનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના કેસમાં ચુકાદો આપનારી દિલ્હી હાઈકોર્ટની બેંચના વડા તરીકે જસ્ટિસ યશવંત વર્મા હતા. આ એક ચુકાદા દ્વારા જસ્ટિસ વર્માએ ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવી દીધો હતો.
પત્રકાર દ્વારા કરાયેલા સવાલના જવાબમાં ગ્રોકનો જવાબ
સૂત્રોના મતે જાણીતાં પત્રકાર રોહિણી સિંહે પૂછેલા સવાલના જવાબમાં ગ્રોક દ્વારા આ જવાબ અપાયો છે. ગ્રોક દ્વારા જસ્ટિસ યશવંત વર્મા પર સીધું કોઈ દોષારોપણ કરાયું નથી પણ જસ્ટિસ વર્માના ચુકાદા તરફ ધ્યાન દોરાયું છે. ગ્રોકનો જવાબ તાર્કિક છે કે નહીં તેની તપાસ કદાચ થાય. ગ્રોકની વાત કદાચ ખોટી ન હોય કારણ કે એક તર્ક એવો છે કે, આ કેસમાં જસ્ટિલ વર્માએ લગભગ ચાર મહિના પહેલાં જ આ ચુકાદો આપ્યો હતો. એરટેલ કંપની દ્વારા ટાવરો બાંધવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચ કરાયો છે. એક અંદાજ પ્રમાણે, કંપનીએ કુલ મૂડી ખર્ચ 65 હજાર કરોડ રૂપિયાથી વધારે કર્યો હતો. તેના પર 18 ટકા જીએસટી લેખે 12 હજાર કરોડ રૂપિયાની આસપાસ જીએસટી ચૂકવાયો હતો. જસ્ટિસ વર્માના ચુકાદાના કારણે કંપનીને 5400 કરોડ રૂપિયા ફાયદો થઈ ગયો હતો એવું મનાય છે.
હમ તો ડૂબેંગે સનમ...જસ્ટિસ વર્માએ નેતાઓને ચીમકી આપી ?
જસ્ટિસ વર્મા કેસના રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજ્યસભાના ચેરપર્સન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ મુદ્દે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી. એ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા આ મુદ્દે તમામ રાજકીય પક્ષોના વડાઓને મળ્યા છે. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક મુદ્દે ચર્ચા થયાનું સત્તાવાર રીતે કહેવાયું છે પણ સૂત્રોનો દાવો છે કે, જસ્ટિસ વર્માનાં કનેક્શન ઘણા નેતાઓ સાથે પણ છે. જસ્ટિસ વર્મા પોતે ડૂબશે તો નેતાઓને ઉઘાડા પાડીને તેમને પણ સાથે લઈને ડૂબશે એવી ધમકી આપતાં રાજકારણીઓ દોડતા થઈ ગયા છે. જસ્ટિસ વર્માનો કેસ રાજકારણ માટે મોટી ગુંચવણ બની ગયો છે.
દેશના 22 બાર એસોસિયેશનના પ્રમુખો સીજેઆઈ પાસે પહોંચ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના ૨૨ બાર એસોસિયેશનના પ્રમુખો આ કેસમાં તપાસ અને ન્યાય માટે સીજેઆઈ જસ્ટિસ ખન્ના પાસે પહોંચ્યા છે. અલ્હાબાદ બાર એસોસિયેશન સહિત અન્ય એસોસિયેશનની કેટલીક માગણીઓ છે જે સીજેઆઈ સામે રાખવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, પહેલાં તો જસ્ટિસ વર્મા સામે તાત્કાલિક પગલાં લઈને તેમની જજ તરીકેની પ્રેક્ટિસ અટકાવવામાં આવે. તે ઉપરાંત જસ્ટિસ વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર ન આપવામાં આવે. તે ઉપરાંત એક સવાલ એવો પણ થયો હતો કે, ખરેખર સુપ્રીમ આ કેસમાં નક્કર નિર્ણય આવે તેવા કામ કરે છે. તંત્ર અને પોલીસ ખરેખર ભ્રષ્ટ નથી. તેનું કારણ એવું છે કે, 14 માર્ચે લાગેલી આગની તપાસ ૨૧ માર્ચ પછી શરૂ કરવામાં આવી અને 26 માર્ચે પોલીસે જસ્ટિસ વર્માના ઘરનો સ્ટોરરૂમ સીલ કર્યો. તે પહેલાં મહત્ત્વના પુરાવા માટે આ રૂમ ક્યારેય સીલ કરાયો નહોતો. હાલમાં રૂમમાં કોઈ પુરાવા પણ વધ્યા નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.
ભાજપ સરકારે કોલેજીયમને સ્થાને એનજેએમસીનો ખરડો પસાર કરેલો
રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા છે કે, કેન્દ્ર સરકાર દ્વારા ન્યાયતંત્રને પોતાના તાબા હેઠળ લાવવા માટે આ રાજકીય ગોઠવણ કરાઈ હોવાની પણ શક્યતાઓ છે. તમામ પક્ષો ન્યાયતંત્રને કાબુ કરીને પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા રાખે છે પણ મજબૂત રીતે કોઈ કામ કરી શક્યું નહોતું. પહેલી વખત ભાજપ સરકાર 2014માં દેશની સુપ્રીમ કોર્ટ તથા રાજ્યોની 24 હાઈકોર્ટોમાં જજોની નિમણૂકની પ્રક્રિયા માટેની કોલેજીયમ સિસ્ટમ નાબૂદ કરવા માટે ખરડો લાવી હતી. મોદી સરકારે 2014માં સુપ્રીમ કોર્ટ તથા રાજ્યોની હાઈકોર્ટોમાં જજોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરતું નેશનલ જ્યુડિશીયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશન બિલ,2015 પસાર કરેલું. આ કાયદામાં જજોની નિમણૂક કોલેજીયમ દ્વારા નહીં પણ નેશનલ જ્યુડિશીયલ એપોઈન્ટમેન્ટ કમિશન (એનજેએમસી) દ્વારા થાય એવી જોગવાઈ હતી. આ ખરડા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ સહી કરી નાંખેલી. સુપ્રીમ કોર્ટે 2015માં આ ખરડાને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો કે, ભારતનું બંધારણ ન્યાયતંત્રની સ્વાયત્તતાની તરફેણ કરે છે જ્યારે એનજેએમસી એક્ટ દ્વારા સરકાર ન્યાયતંત્રના મામલામાં દખલગીરી કરીને સ્વાયત્તનો છિનવી લેવા માગે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જસ્ટિસ વર્માના ઘરે રોકડ મળવી એ કોલેજીયમ સિસ્ટમની સામે અસંતોષ ઉભો કરીને તેને સ્થાને એનજેએમસી લાવવાના યોજના હોવાની થિયરી પણ ચર્ચાઈ રહી છે. આ શક્યતાને પણ નકારી શકાય નહીં.