મણિપુરના થોબલમાંથી ભારતીય સેનાના અધિકારીનું અપહરણ, સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી
સેનાના જવાનો અને તેમના પરિવારજનોને બદમાશો દ્વારા નિશાન બનાવવામાં આવે છે
Manipur Violence: મણિપુરના થોબલ જિલ્લામાં ભારતીય સેનાના જુનિયર કમીશન ઓફિસર (JCO)નું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. સવારે નવ વાગ્યે કેટલાક લોકો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને બાંધીને વાહનમાં લઈ ગયા હતા. હાલ સુરક્ષા એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી છે. અહેવાલ અનુસાર, કોન્સમ ખેડા સિંહનુ અપહરણ કરવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ આ છેડતીનો મામલો લાગે છે. સેનાના અધિકારીના પરિવારજનોને અગાઉ પણ આવી ધમકીઓ મળી હતી.
સુરક્ષા એજન્સીઓએ શોધખોળ શરૂ કરી
અહેવાલો અનુસાર, તમામ સુરક્ષા એજન્સીઓએ જેસીઓને શોધવા માટે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નેશનલ હાઈવે-102 પર ચાલતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. મણિપુરમાં હિંસાની શરૂઆત પછી આ ચોથી ઘટના છે. સેનાના જવાનો અને તેમના પરિવારજનોને બદમાશો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વર્ષે 2023 સેનાના એક જવાનનું અપહરણ થયું હતું
સપ્ટેમ્બર 2023માં આસામ રેજિમેન્ટના પૂર્વ સૈનિક સર્તો થાંગથાંગ કોમનું બદમાસોએ અપહરણ કરીને હત્યા કરી હતી. તે મણિપુરના લિમાખોંગ ડિફેન્સ સર્વિસ કોર્પ્સ (DSC)માં તહેનાત હતા. બે મહિના પહેલા એક હથિયારબંધ જૂથે ચાર લોકોનું અપહરણ કર્યું જ્યારે તેઓ ચુરાચંદપુરના પહાડી જિલ્લાથી લિમાખોંગ તરફ જઈ રહ્યા હતા. આ ચારેય લોકો જમ્મુ-કાશ્મીરમાં તહેનાત ભારતીય સેનાના જવાનોના પરિવારના સભ્યો હતા.
એએસપીના ઘર પર પણ હુમલો
27મી ફેબ્રુઆરી 2024માં મણિપુર પોલીસના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) પર ઈફાલ શહેરમાં તેમના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે હુમલાખોર જૂથની ઓળખ અરામબાઈ ટેંગોલ (એટી) તરીકે થઈ હતી.