25 જૂને 'બંધારણ હત્યા દિવસ' મનાવાશે : કેન્દ્ર
- કોંગ્રેસના દમનકારી પગલાંને કાળા અધ્યાય તરીકે યાદ રખાશે : મોદી
- નોનબાયોલોજિકલ પીએમનો હાસ્યાસ્પદ પ્રયાસ, 4 જૂન, 2024 'મોદી મુક્તિ દિવસ' તરીકે ઓળખાશે : કોંગ્રેસ
- ઈન્દિરાએ તાનાશાહી માનસિક્તાથી કટોકટી લાદી લોકતંત્રની આત્માનું ગળુ દબાવ્યું હતું : અમિત શાહ
નવી દિલ્હી : વિપક્ષ મોદી સરકાર પર બંધારણ ભંગ કરવાનો પ્રયત્ન કરવાના આક્ષેપો કરી રહ્યો છે તેવા સમયે કેન્દ્ર સરકારે હવે દેશમાં પ્રત્યેક વર્ષે ૨૫ જૂને 'બંધારણ હત્યા દિવસ' મનાવવાની જાહેરાત કરીને વિપક્ષ સાથે ઘર્ષણ વધારવાના સંકેતો આપી દીધા છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે, દેશમાં પ્રત્યેક વર્ષે ૨૫ જૂનને'બંધારણ હત્યા દિવસ' તરીકે મનાવાશે. બીજીબાજુ કોંગ્રેસે પણ ઘર્ષણના આ માર્ગે આગળ વધતાં ૪ જૂનને 'મોદી મુક્તિ દિવસ' તરીકે મનાવવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ૧૯૭૫ના રોજ ૨૫ જૂને કટોકટીની જાહેરાત કરાઈ હતી. ત્યાર પછી તત્કાલીન સરકાર તરફથી સત્તાનો ઘોર દુરુપયોગ કરાયો હતો અને ભારતના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. જ્યારે ભારતના લોકોનો દેશના બંધારણ અને દેશના મજબૂત લોકતંત્ર પર દૃઢ વિશ્વાસ છે. તેથી ભારત સરકારે ઈમર્જન્સીના સમય દરમિયાન સત્તાના ઘોર દુરુપયોગનો સામનો અને સંઘર્ષ કરનારા બધા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૨૫ જૂનને 'બંધારણ હત્યા દિવસ' જાહેર કરવામાં આવ્યો છે. ભારતના લોકોએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારે સત્તાના ઘોર દુરુપયોગનું સમર્થન નહીં કરવા માટે કટિબદ્ધ કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમની તાનાશાહી માનસિક્તા દર્શાવતા દેશમાં ઈમર્જન્સી લગાવીને ભારતીય લોકતંત્રની આત્માનું ગળુ દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વિના જેલમાં નાંખી દેવાયા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવાયો હતો.
ભારત સરકારે પ્રત્યેક વર્ષે ૨૫ જૂને 'બંધારણ હત્યા દિવસ' તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ એ બધા લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે ૧૯૭૫ની ઈમર્જન્સીની અમાનવીય પીડા વેઠી હતી.'
અમિત શાહે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયનો આશય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે તાનાશાહી સરકારની અસંખ્ય યાતનાઓ અને અત્યાચારનો સામનો કરવા છતાં લોકતંત્રને પુનર્જિવિત કરવા માટે સંઘર્ષ કર્યો હતો. બંધારણ હત્યા દિવસ દરેક ભારતીયમાં લોકતંત્રના રક્ષણ અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિને જિવિત રાખવાનું કામ કરશે, જેથી કોંગ્રેસ જેવા પક્ષની તાનાશાહી માનસિક્તા ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ના કરી શકે.
અમિત શાહને રીટ્વીટ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૫ જૂને બંધારણ હત્યા દિવસ દેશવાસીઓને યાદ અપાવશે કે બંધારણને કચડી નાંખ્યા પછી દેશે કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડયું હતું. આ દિવસ એ બધા લોકોને નમન કરવાનો પણ છે, જેમણે ઈમર્જન્સીના અત્યાચારો સહન કરવા પડયા હતા. દેશ કોંગ્રેસના આ દમનકારી પગલાં ને ભારતીય ઈતિહાસના કાળા અધ્યાય તરીકે હંમેશા યાદ રાખશે.
કેન્દ્રના આ નિર્ણયથી ગુસ્સે ભરાયેલી કોંગ્રેસે કેન્દ્રના આ પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક્સ પર લખ્યું, નોન બાયોલોજિકલ વડાપ્રધાન ફરી એક વખત હિપોક્રસીથી ભરેલી એક હેડલાઈન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ભારતના લોકોને ૪ જૂન, ૨૦૨૪ (જેને ઈતિહાસમાં 'મોદી મુક્તિ દિવસ' તરીકે ઓળખાશે)ના રોજ મળેલા નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક પરાજય પહેલા તેમણે ૧૦ વર્ષ સુધી અઘોષિત ઈમર્જન્સી લગાવી રાખી હતી.