ન્યાયની કળા રાજકીય અને સામાજિક દબાણથી મૂક્ત રહેવી જોઇએ : સીજેઆઇ
- સુપ્રીમની હીરક જયંતિની ઉજવણીમાં મોદી મુખ્ય મહેમાન બન્યા
- કેન્દ્રએ સુપ્રીમની ઇમારતના વિકાસ માટે રૂ. 800 કરોડ ફાળવ્યા, નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ પોતાની સ્થાપનાના ૭૫માં વર્ષમાં પ્રવેશી ચુકી છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટમાં હીરક જયંતિની ઉજવણી માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, સુપ્રીમના ન્યાયાધીશો, હાઇકોર્ટોના મુખ્ય ન્યાયાધીશો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે ન્યાયની કળા રાજકીય કે સામાજિક દબાણથી મૂક્ત રહેવી જોઇએ, માત્ર ન્યાયપાલિકા જ નહીં ન્યાયાધીશો પણ સ્વતંત્ર રહીને ન્યાય કરી શકે તેવી બંધારણે સુરક્ષા આપી છે.
સુપ્રીમ કોર્ટના હીરક જયંતિ સમારોહને સંબોધતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ન્યાયપાલિકાએ અન્યાય, અત્યાચાર અને મનમાનીની સામે એક સુરક્ષા કવચ તરીકે કામ કરવું જોઇએ. સુપ્રીમ કોર્ટ સમાધાન અને ન્યાયની સંસ્થા છે, લોકો મોટી સંખ્યામાં સુપ્રીમ કોર્ટ પહોંચી રહ્યા છે જે સાબિત કરે છે કે આપણે ન્યાયની ભૂમિકા નિભાવવામાં કેટલા સફળ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટની સ્થાપના આદર્શ ભાવના સાથે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લા ૭૫ વર્ષમાં જુના અને નવા પડકારોનો સામનો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુપ્રીમ કોર્ટે પડતર કેસોના નિકાલ માટે સકારાત્મક પ્રયાસો કર્યા છે. ગયા વર્ષે નવા ૪૯૮૧૮ કેસો નોંધાયા હતા, ૨,૪૧,૫૯૪ કેસો સુનાવણી પર હતા, અને ૫૨૨૨૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એક વર્ષમાં જેટલા નવા કેસો નોંધાયા તેનાથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે દેશની કોર્ટોમાંથી કેસોને મુલતવી રાખવાની સંસ્કૃતિ અને લાંબા ગાળાના વેકેશનનો અંત લાવવાની જરૂર છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હતા, મોદીએ સમારોહને સંબોધતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશની કોર્ટોના માળખામાં મોટો સુધારો કરવા જઇ રહી છે. કોર્ટોની વ્યવસ્થામાં સુધારા માટે ૨૦૧૪ પછી આશરે ૭ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ મોદીએ સુપ્રીમ કોર્ટના કોમ્પ્લેક્સમાં સુધારા વધારા માટે વધુ ૮૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.
મોદીએ સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. સાથે તેમણે કહ્યું હતું કે આજે જે નવા કાયદા ઘડાઇ રહ્યા છે તે ભવિષ્યમાં ભારતને વધુ મજબુત બનાવશે. એક સશક્ત ન્યાયવ્યવસ્થા વિકસિત ભારતનો હિસ્સો છે. જનતાનો ન્યાયપાલિકા પરનો વિશ્વાસ વધારવા સરકાર પ્રયાસ કરી રહી છે, જન વિશ્વાસ બિલ તેનો હિસ્સો છે, જેનાથી ન્યાયપાલિકા પર બિનજરૂરી ભાર છે તે હળવો કરવામાં આવશે. લોકો માટે ન્યાય મેળવવો સરળ થઇ જશે. સરળતાથી ન્યાય મેળવવો તે દેશના દરેક નાગરિકનો અધિકાર છે અને સુપ્રીમ કોર્ટ તેનું માધ્યમ છે.
ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ડિજિટલ કોર્ટ્સ ૨.૦ અને વેબસાઇટને લોન્ચ કર્યા બાદ મોદીએ હળવા મૂડમાં કહ્યું હતું કે હવે કોઇ એવી આશા રાખી શકશે કે કોઇ આવીને એવી પિટિશન ફાઇલ નહીં કરે કે સુપ્રીમ કોર્ટમાં થતો ખર્ચો વધારે પડતો છે. લોકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવશે. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંધારણના ઘડવૈયા ડો. આંંબેડકરની નાની પ્રતિમા અર્પણ કરી હતી.