પક્ષો પોતાની મરજી મુજબ ન્યાયતંત્રને ચલાવવા માગે છે : મુખ્ય ન્યાયાધીશ રમણ
ભાજપમાંથી હાંકી કઢાયેલાં નેતાની ઝાટકણીના બીજા દિવસે સીજેઆઈએ રાજકીય પક્ષોની ટીકા કરી
શાસક પક્ષ માને છે સરકારી કાર્યવાહીને ન્યાયિક સમર્થન મળવું જોઈએ જ્યારે વિપક્ષને ટેકાની આશા, પરંતુ ન્યાયતંત્ર માત્ર ને માત્ર બંધારણને જવાબદાર : સીજેઆઈ
નવી દિલ્હી, તા.૨
પયગંબર અંગે વિવાદાસ્પદ ટીપ્પણી મુદ્દે સુપ્રીમ કોર્ટે ભાજપનાં હાંકી કઢાયેલા પ્રવક્તા નુપુર શર્માની ઝાટકણી કાઢ્યાના બીજા દિવસે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે શનિવારે રાજકીય પક્ષોની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે ભારતમાં સત્તા પર રહેલા પક્ષનું માનવું છે કે સરકારી કાર્યવાહીને ન્યાયિક સમર્થન મળવું જોઈએ અને વિપક્ષ એવી આશા રાખે છે કે ન્યાયતંત્રએ તેમને સમર્થન કરવું જોઈએ. પરંતુ બધાએ એ સમજવું જરૂરી છે કે ન્યાયતંત્ર માત્ર ને માત્ર બંધારણ પ્રત્યે જવાબદાર છે. દેશે હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને અપાયેલી ભૂમિકાનું સન્માન કરવાનું શીખ્યો નથી.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એસોસિએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ દ્વારા આયોજિત એક સન્માન સમારંભમાં મુખ્ય ન્યાયાધીશ રમણે કહ્યું, આપણે આ વર્ષે આઝાદીના ૭૫ વર્ષની ઊજવણી કરી રહ્યા છીએ અને આપણા ગણતંત્રને ૭૨ વર્ષ થઈ ગયા છે તેમ છતાં નિરાશા સાથે મારે કહેવું પડે છે કે આપણે હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને સોંપાયેલી ભૂમિકાઓ અને જવાબદારીઓનું પૂર્ણ સન્માન કરવાનું શીખ્યા નથી.
તેમણે જણાવ્યું કે, શાસક પક્ષનું માનવું છે કે સરકારની દરેક કાર્યવાહી ન્યાયિક સમર્થનને હકદાર છે. વિપક્ષને આશા છે કે ન્યાયતંત્ર તેમના રાજકીય પદો અને કારણોને આગળ વધારશે. જ્યારે હકીકતમાં ન્યાયતંત્ર માત્ર બંધારણને જ જવાબદાર છે. આ પ્રકારની વિચાર પ્રક્રિયા બંધારણ અને લોકતંત્ર અંગે સામાન્ય માણસોમાં ફેલાયેલી અજ્ઞાાનતાના કારણે પેદા થાય છે અને આ અજ્ઞાનતા એવી તાકતોને મદદ કરી રહી છે, જેમનો એકમાત્ર આશય ન્યાયપાલિકાને ખતમ કરવાનો છે. હું એ બાબત સ્પષ્ટ કરી દઉં કે અમે માત્ર ને માત્ર બંધારણને જ જવાબદાર છીએ. સીજેઆઈ રમણે ઉમેર્યું કે, બંધારણમાં કલ્પના કરવામાં આવેલા નિયંત્રણ અને સંતુલનને લાગુ કરવા માટે આપણે ભારતમાં બંધારણીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આપણે વ્યક્તિઓ અને સંસ્થાનોની ભૂમિકાઓ તથા જવાબદારીઓ અંગે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. લોકતંત્ર બધાની ભાગીદારી અંગે છે.
અમેરિકાનું ઉદાહરણ આપતા મુખ્ય ન્યાયાધીશે ભારત સહિત દુનિયામાં દરેક જગ્યાએ સમાવેશિતાનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ચેતવણી આપી કે બીન સમાવેશી દૃષ્ટિકોણ આપત્તિ માટે નિમંત્રણ છે. ભારતીય સમાજની સિદ્ધિઓની પ્રશંસા કરતા સીજેઆઈએ કહ્યું, આ અમેરિકન સમાજની સહનશીલતા અને સમાવેશી પ્રકૃતિ છે, જે દુનિયાભરની શ્રેષ્ઠ પ્રતિભાઓને તેના તરફ આકર્ષવામાં સક્ષમ છે, જે બદલામાં તેના વિકાસમાં યોગદાન કરી રહ્યા છે. વ્યવસ્થામાં સમાજના બધા જ વર્ગોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વિવિધ પૃષ્ઠભૂમિથી યોગ્ય પ્રતિભાઓનું સન્માન કરવું જરૂરી છે.
સીજેઆઈએ કહ્યું કે, લાંબાગાળાના વિકાસ માટે બનેલી આધારશિલા સાથે ક્યારેય ચેડાં ન કરવા જોઈએ. આખી દુનિયામાં સરકારો બદલાવાની સાથે નીતિઓ બદલાય છે. પરંતુ કોઈપણ સમજદાર, પરિપક્વ અને દેશભક્ત સરકાર નીતિઓમાં એવો ફેરફાર નહીં કરે, જે તેના પોતાના ક્ષેત્રના વિકાસને ધીમો અથવા રોકી દે. દુર્ભાગ્ય છે કે જ્યારે પણ સરકારમાં કોઈ પરિવર્તન થાય છે, અમે ભારતમાં આવી સંવેદનશીલતા અને પરિપક્વતા મોટાભાગે નથી દેખાતી.
મુખ્ય ન્યાયાધીશે કાર્યક્રમના પ્રેક્ષકોને કહ્યું કે, તમે અબજોપતિ બની શકો છો, પરંતુ આ સંપત્તિનો આનંદ માણવા માટે તમારી આજુબાજુ શાંતિ જોઈએ. વતનમાં તમારા માતા-પિતા પણ હિંસા અને નફરતથી મુક્ત શાંતિપૂર્ણ સમાજમાં જીવવા સક્ષમ હોવા જોઈએ. તમે ઘરમાં તમારા માતા-પિતાની શાંતિ અને ભલાઈનું ધ્યાન ન રાખી શકો તો અહીં તમારા ધન અને સ્થિતિનો શું ઉપયોગ છે. એક રાષ્ટ્ર જે બધાનું ખુલ્લા હાથે સ્વાગત કરે છે અને બધી સંસ્કૃતિઓને અપનાવે છે તે જ સમૃદ્ધ થાય છે.