Delhi Liquor Scam: મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ, સંજય સિંહને શપથ ગ્રહણ માટે મળી રાહત
- કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત રાહત આપવાનો ઈનકાર કરી દીધો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2024, શનિવાર
દિલ્હીની કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડરિંગ મામલે દિલ્હીની એક કોર્ટે મનીષ સિસોદિયા અને સંજય સિંહની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને ફરી એક વખત રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે આજે દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સુનાવણી કરતા મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે અને તેમની ન્યાયિક કસ્ટડી 17 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધી છે.
The Rouse Avenue court in Delhi extends the judicial custody of Manish Sisodia and Sanjay Singh till February 17, in Delhi excise policy case.
— ANI (@ANI) February 3, 2024
સંજય સિંહને શપથ ગ્રહણ માટે મળી રાહત
કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને શપથ ગ્રહણ માટે રાહત આપી છે. કોર્ટે કસ્ટડીમાં રહેલા સંજય સિંહને 5 ફેબ્રુઆરીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેવાની મંજૂરી આપી છે. જેલ અધિકારીઓને સવારે 10:00 વાગ્યા સુધીમાં તેમને સંસદમાં લઈ જવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ED સમક્ષ પૂછપરછમાં સામેલ નથી થયા.
સંજય સિંહે વચગાળાના જામીન માટે કરી હતી અરજી
વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે શનિવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સંસદમાં જઈને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવાની મંજૂરી આપી છે. કોર્ટે જેલ વહીવટી તંત્રને 5 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 વાગ્યે સંજય સિંહને શપથ ગ્રહણ કરાવવા માટે સંસદમાં લઈ જવાનો આદેશ આપ્યો છે. સંજય સિંહે 5 ફેબ્રુઆરીના રોજ શપથ ગ્રહણ કરવા માટે અને 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા સંસદ સત્રમાં સામેલ થવા માટે 7 દિવસના સમયગાળા માટે વચગાળાના જામીનની માંગ કરતા ગુરૂવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.