નાની કોર્ટોના જજો દેશને ભડકે બાળવા માંગે છે
- અજમેર શરીફ મસ્જિદ વિવાદમાં સપા નેતા રામગોપાલ યાદવે નીચલી કોર્ટોના ન્યાયાધીશો પર દોષનો ટોપલો ઢોળતા વિવાદ
- નીચલી કોર્ટોને મસ્જિદો-દરગાહો પરના કેસ મંજૂર કરી વિવાદોનો પટારો ખોલવાથી દૂર રહેવા નિર્દેશ આપવા મુખ્ય ન્યાયાધીશને મુસ્લિમોની વિનંતી
- ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદમાં સરવેથી હિંસા માંડ શાંત થઈ ત્યાં હવે અજમેર દરગાહના વિવાદે પલીતો ચાંપ્યો
નવી દિલ્હી : દેશમાં કાશીમાં જ્ઞાનવાપી, મથુરામાં કૃષ્ણ મંદિરના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે મુદ્દે હિંસક દેખાવો હજી શાંત નથી થયા એવામાં રાજસ્થાનની વિશ્વવિખ્યાત અજમેર શરીફ દરગાહ શિવ મંદિર પર બનાવાઈ હોવાનો દાવો કરતી એક અરજી કોર્ટમાં મંજૂર કરી મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારતા દેશમાં ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકારણ પર શરૂ થઈ ગયું છે. આ સંદર્ભમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે દોષનો ટોપલો નાની કોર્ટોના જજો પર નાંખતા કહ્યું કે, નાની કોર્ટના જજો દેશને સળગાવવા માગે છે. તેમના આ નિવેદનથી પણ ભારે વિવાદ સર્જાયો છે.
રાજસ્થાનના અજમેર સ્થિત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કરતી અરજી નીચલી કોર્ટે સ્વીકારીને બધા પક્ષકારોને નોટિસ પાઠવી આ કેસની વધુ સુનાવણી ૨૦ ડિસેમ્બરે નિશ્ચિત કરી છે. હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ વિવિધ પુરાવાઓના આધારે અજમેર દરગાહ સંકટ મોચન મહાદેવનું મંદિર હોવાનો દાવો કર્યો હતો. જોકે, કોર્ટે આ મુદ્દે મુસ્લિમ પક્ષને નોટિસ ફટાર્યા પછી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે.
આ મુદ્દે સમાજવાદી પક્ષના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે, નાની કોર્ટના ન્યાયાધીશો દેશમાં આગ લગાવવા માગે છે. આવી અરજીઓ સ્વીકારવાનો કોઈ અર્થ નથી. અજમેર શરીફ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચાદર મોકલાવે છે. દેશ-વિદેશમાંથી લોકો ત્યાં આવે છે. અજમેર દરગાહ પર વિવાદ ઊભો કરવાનો કોઈ અર્થ નથી. તેઓ માત્ર સત્તા પર જળવાઈ રહેવા માગે છે.
બીજીબાજુ અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએણપીએલબી)એ ગુરુવારે સમગ્ર દેશમાં મસ્જિદો અને દરગાહો અંગે તાજા વિવાદો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંગઠને આ વિવાદોને ધ્યાનમાં લઈને નીચલી કોર્ટોને આવા કેસો ખોલીને નવા વિવાદોને જન્મ નહીં આપવા મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને નિર્દેશ આપવા વિનંતી કરી છે.
એઆઈએમપીએલબીના પ્રવક્તા એસક્યુઆર ઈલિયાસે કહ્યું કે, પૂજા સ્થળો સંબંધિત કાયદાના સંદર્ભમાં આવા દાવા કાયદા અને બંધારણની ખુલ્લી મજાક છે. આ કાયદો સ્પષ્ટરૂપે કહે છે કે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ પછી કોઈપણ પૂજા સ્થળની સ્થિતિ બદલી શકાય નહીં અને તેને પડકારી શકાય નહીં. સંસદમાંથી પસાર થયેલો પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટ લાગુ કરવો એ કેન્દ્ર અને રાજ્યોની જવાબદારી છે.
તેમણે ઉમેર્યું કે, જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ, મધ્ય પ્રદેશની ભોજશાલા મસ્જિદ, લખનઉની ટીલેવાળી મસ્જિદ અને હવે અજમેર દરગાહ પર કોર્ટ કેસ અત્યંત શરમજનક છે. બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમે પૂજા સ્થળ કાયદાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ કેસ પછી કોઈ નવો દાવો સ્વીકારવામાં નહીં આવે. તેમ છતાં નીચલી કોર્ટોએ જ્ઞાનવાપી મસ્જિદ અને અન્ય સ્થળો પરના દાવા સ્વીકાર્યા છે. અમે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને વિનંતી કરીએ છીએ કે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે અને નીચલી કોર્ટોને આ પ્રકારના વિવાદાસ્પદ કેસો નહીં ખોલવાનો નિર્દેશ આપવામાં આવે.
દરમિયાન એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આ દરગાહ છેલ્લા ૮૦૦ વર્ષોથી ત્યાં છે. નહેરુથી લઈને વર્તમાન વડાપ્રધાન દરગાહ પર ચાદર મોકલે છે. નીચલી કોર્ટો પૂજા સ્થળના કાયદા પર સુનાવણી કેમ નથી કરી રહી? આ રીતે કાયદાનું શાસન ક્યાં રહેશે અને લોકતંત્ર ખતમ થઈ જશે.
પ્લેસીસ ઓફ વર્સીસ એક્ટ કોરાણે મૂકાયો?
જ્ઞાનવાપી કેસ પછી વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો પર સરવેની માગ વધી
- જ્ઞાનવાપીથી લઈને કાશી, મથુરા, સંભલ, અજમેર અને ધારના વિવાદાસ્પદ સ્થળોના કેસ કોર્ટમાં પહોંચ્યા
નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના પછી લાગતું હતું કે હવે કોઈ ધાર્મિક વિવાદ ઊભો નહીં થયા. પરંતુ કાશી, મથુરા અને સંભલની જેમ હવે અજમેર શરીફ દરગાહનો પણ કેસ કોર્ટમાં પહોંચ્યો છે. નીચલી કોર્ટે તે સ્વીકારી પણ લીધો છે. આવી સ્થિતિમાં જ્ઞાનવાપી કેસમાં સરવેના આદેશે દેશભરમાં વિવાદાસ્પદ મસ્જિદો-દરગાહોના સરવેની માગ કરતી અરજીઓનો માર્ગ ખોલી નાંખ્યો છે.
હકીકતમાં ગયા વર્ષે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યા પછી દેશમાં અન્ય વિવાદાસ્પદ ધાર્મિક સ્થળો પર સરવેની માગને પ્રોત્સાહન મળ્યું છે. આ નિર્ણય પછી અનેક જગ્યાઓ પર સરવેની માગ અંગે કોર્ટોમાં અરજીઓ થઈ રહી છે. જ્ઞાનવાપી કેસમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સરવે કરવાની મંજૂરી આપતા અલ્લાહાબાદ હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટે ૪ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમે કહ્યું કે, એક પક્ષ માટે મામૂલી બાબત છે તે બીજા પક્ષ માટે આસ્થાનો વિષય હોઈ શકે છે. સુપ્રીમે નોન-ઈન્વેસિવ ટેકનોલોજીથી સરવેને મંજૂરી આપી હતી.
પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંગે સુપ્રીમે ૨૦૨૨માં કહ્યું કે પ્લેસીસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ, ૧૯૯૧ની કલમ ૩ કોઈપણ ધાર્મિક સ્થળની ધાર્મિક પ્રકૃતિ નિશ્ચિત કરતા અટકાવતી નથી. જોકે, આ કાયદાની કલમ ૪ એ સુનિશ્ચિત કરે છે કે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ જે ધાર્મિક સ્થળ જે સ્વરૂપમાં હતું તેની પ્રકૃતિ બદલવામાં નહીં આવે.
જોકે, જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના વલણ પછી દેશના અનેક ભાગોમાં મસ્જિદો અને દરગાહોના સરવેની માગ ઉઠવા લાગી છે. મથુરા સ્થિત શાહી ઈદગાહ મસ્જિદમાં કોર્ટના નિરીક્ષણ હેઠળ સરવેની મંજૂરી અપાઈ હતી. જોકે, સુપ્રીમે તેના પર સ્ટે મૂકી દીધો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં મુઘલકાળની જામા મસ્જિદ પર કોર્ટના આદેશથી ૧૯ નવેમ્બરે સરવે થયો હતો. જોકે, ત્યાર પછી ત્યાં હિંસા ફાટી નીકળી હતી. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં ૧૧મી સદીની ભોજશાળા પરિસર પર હિન્દુ અને મુસ્લિમ સમુદાયોનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.