Get The App

રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ

Updated: Mar 27th, 2025


Google News
Google News
રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ 1 - image


- સ્તનને અડવું કે પાયજામાનું નાડુ તોડવું રેપનો પ્રયાસ ના ગણાય તેવા હાઇકોર્ટના અર્થઘટન પર સુપ્રીમનો સ્ટે

- ચાર મહિનાથી જજ પાસે કેસ હતો, મગજનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છતાં આ પ્રકારના વાંધાજનક અવલોકનથી દુઃખ થયું: સુપ્રીમ નારાજ

- કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને પક્ષકારોને સુપ્રીમની નોટિસ  વકીલ શોભા ગુપ્તાના પત્રની સુઓમોટો નોંધ લઇને કાર્યવાહી

- જજ માટે આકરા શબ્દો બદલ દીલગીર છીએ પરંતુ આ અત્યંત ગંભીર મામલો છે જેમાં સંવેદનાનો અભાવ જોવા મળ્યો: ન્યાયાધીશ ગવઇ

નવી દિલ્હી : સગીરા પર બળાત્કારના પોક્સોના એક કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ દ્વારા કરાયેલા અવલોકનની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી હતી અને તેને અત્યંત અસંવેદનશીલ તેમજ અમાનવીય ગણાવ્યું હતું. સાથે જ આ કેસમાં હાઇકોર્ટના જજના આ અવલોકન પર સુપ્રીમે સ્ટે મુકી દીધો હતો. હાઇકોર્ટના જજે કહ્યું હતું કે સગીરાના સ્તનને પકડવા કે તેના પાયજામાના નાડાને તોડવું તે બળાત્કારના પ્રયાસના ગુનામાં ન ગણાય. જજના આ અવલોકનની ભારે ટિકા થઇ હતી અને સુપ્રીમ કોર્ટના કેટલાક વરીષ્ઠ વકીલોએ સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખીને યોગ્ય પગલા લેવા કહ્યું હતું.    

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી. આર. ગવઇ અને ન્યાયાધીશ એજી મસિહની બેંચે અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાની સુઓમોટો દ્વારા નોંધ લીધી હતી અને આ કાર્યવાહી હાથ ધરી હતી. સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમે ચુકાદાને વાંચ્યો છે, જેમાં પેરેગ્રાફ ૨૧, ૨૪ અને ૨૬માં જજ દ્વારા જે પ્રકારનું અવલોકન કરાયું છે તેમાં સંવેદનાનો અભાવ જોવા મળી રહ્યું છે તેવું અમારે બહુ જ દુઃખ સાથે કહેવુ પડી રહ્યું છે. હાઇકોર્ટનો આ ચુકાદો તાત્કાલીક નથી આવ્યો પરંતુ ચાર મહિના બાદ આવ્યો છે. બેંચે કહ્યું હતું કે તેથી સ્પષ્ટ છે કે જજે પોતાના મગજનો સારી રીતે ઉપયોગ કરીને આ ચુકાદો આપ્યો છે. કેમ કે આ ચુકાદામાં જે અવલોકન કરાયું છે તે અત્યંત વાંધાજનક અને અસંવેદનશીલ છે માટે જજ દ્વારા કરાયેલા આ અવલોકન પર સ્ટે મુકવામાં આવે છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને હાઇકોર્ટમાં જે પણ પક્ષકારો હતા તેમને નોટિસ પાઠવી છે. કોર્ટમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું હતું કે હાઇકોર્ટનો આ ચુકાદો ખરેખર આઘાતજનક છે. તેમણે કહ્યું હતું કે કેટલાક ચુકાદા એવા હોય છે કે જેના પર સ્ટે મુકવા માટે યોગ્ય કારણો છે. 

બાદમાં મૌખીક ટિપ્પણી કરતા ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે આ અત્યંત ગંભીર મામલો છે, જજ તરફથી સંપૂર્ણપણે અસંવેદનશીલતા દેખાડવામાં આવી, જજ સામે આ પ્રકારના આકરા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે બદલ દીલગીર છીએ પરંતુ ખરેખર અમાનવીય વલણ અપનાવાયું છે.બાદમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે હા હું સહમત છું, આ અત્યંત ગંભીર બાબત છે, હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે માસ્ટર ઓફ રોસ્ટર તરીકે યોગ્ય પગલા લેવા જોઇએ.  આ પહેલા વરીષ્ઠ મહિલા વકીલ શોભા ગુપ્તાએ મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્નાને પત્ર લખ્યો હતો, આ પત્રને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સુઓમોટો દ્વારા સમગ્ર મામલાની નોંધ લીધી હતી.  નોંધનીય છે કે સગીરા પર રેપના એક મામલામાં આરોપીઓ દ્વારા અલ્લાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી, જેના પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જજ રામમનોહર મિશ્રાએ વિવાદિત અવલોકન કર્યું હતું, તેમણે કહ્યું હતું કે તપાસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને એવુ લાગી રહ્યું છે કે આ કેસ બળાત્કાર, બળાત્કારના પ્રયાસનો નથી, પીડિતાના પ્રાઇવેટ અંગોને સ્પર્શ કરવો કે તેના પાયજામાની દોરીને તોડવી બળાત્કાર કે બળાત્કારના પ્રયાસમાં ના ગણી શકાય. રેપનો પ્રયાસ કરવો અને તેની તૈયારી કરવી આ બન્ને વચ્ચે અંતર છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના કાસગંજનો છે જ્યાં વર્ષ ૨૦૨૧માં એક સગીરા પર કેટલાક લોકોએ રેપ કર્યો હોવાની ફરિયાદ સગીરાની માતાએ કરી હતી.   

Tags :