નડ્ડા પર ભાજપને ભરોસો: કેબિનેટ મંત્રાલય બાદ હવે આ મોટી જવાબદારી આપવાની તૈયારી
BJP President JP Nadda : ભાજપના વરિષ્ઠ નેતા અને મોદી કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા રાજ્યસભાના નેતા બની શકે છે. અત્યાર સુધી રાજ્યસભામાં નેતા પીયૂષ ગોયલ હતા. જોકે તેમનો ચૂંટણમાં વિજય થયા બાદ સાંસદ બની લોકસભામાં પહોંચ્યા છે. આવી સ્થિતિમાં નડ્ડાને આ જવાબદારી મળવાની સંભાવના છે. હાલમાં નડ્ડા ભાજપના અધ્યક્ષ છે. તેમનો અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 30મી જૂને પૂર્ણ થવાનો છે. આ ઉપરાંત નડ્ડાના સ્થાને કોઈ મજબૂત નેતાની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં નવા અધ્યક્ષ અંગે નિર્ણય થઈ શકે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં નડ્ડાનો કાર્યકાળ પૂરો થયો હતો. પરંતુ ચૂંટણીને ધ્યાને રાખી ભાજપે તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.
ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડાનો કાર્યકાળ લાંબાવાની સંભાવના
બીજીતરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ વર્ષે ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપ (BJP) નડ્ડાનો કાર્યકાળ લંબાવી શકે છે. ત્યારબાદ નવા વર્ષની આસપાસ ઝારખંડ, દિલ્હી ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં આગામી કેટલાક મહિનાઓમાં ચૂંટણી યોજાશે. જે.પી.નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. અન્ય એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, જે.પી.નડ્ડાના સહયોગ આપવા માટે કોઈ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી શકે છે.
નડ્ડાને કેબિનેટમાં રસાયણ અને ખાતર મંત્રાલયની જવાબદારી સોંપાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ તાજેતરમાં જ કેબિનેટમાં નડ્ડાને સ્થાન આપ્યું છે. તેમને રસાયણ અને ખાતર મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. મોદી સરકારની પહેલી ટર્મમાં નડ્ડાને આરોગ્ય મંત્રાલય સોંપાયું હતું. મોદી 3.0માં નડ્ડાને મંત્રી બનાવ્યા બાદ એવી ચર્ચા છે કે, તેમને ટુંક સમયમાં અધ્યક્ષ પદેથી મુક્ત કરવામાં આવી શકે છે. પાર્ટીના નિયમો મુજબ, દેશના અડધા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી યોજાયા બાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની નિમણૂકમાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં અધ્યક્ષની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે.
જે.પી.નડ્ડાની રાજકીય કારકિર્દી
જે.પી.નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેઓ હિમાચલ પ્રદેશથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે. 1994-98 વખતે તેઓ હિમાચલ પ્રદેશની વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ 1998થી 2003 વચ્ચે હિમાચલ પ્રદેશ સરકારમાં હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ પાર્લામેન્ટ્રી અફેર્સના કેબિનેટ મંત્રી હતા. તેઓ 2014માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. 2019માં તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા અને 2020માં તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી.