જામનગર બેઠક પર પૂનમ માડમની સામે કોંગ્રેસ જે.પી. મારવિયાને મેદાનમાં ઉતારશે! જાણો અહીં કયા સમાજનું પ્રભુત્વ વધારે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
જામનગર બેઠક પર પૂનમ માડમની સામે કોંગ્રેસ જે.પી. મારવિયાને મેદાનમાં ઉતારશે! જાણો અહીં કયા સમાજનું પ્રભુત્વ વધારે 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખો ટુંક સમયમાં જ જાહેર થવા જઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોની જાહેરાત કરાઈ રહી છે. ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આમ, કોંગ્રેસે 82 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો આ પહેલા ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે હવે સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ દ્વારા જામનગર બેઠક પર પૂનમ માડમને ટિકિટ આપવામાં આવી છે. તો આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની પસંદગી કરી નાખી છે, અહીંથી કોંગ્રેસ જે.પી.મારવિયાને મેદાનમાં ઉતારવા જઈ રહી છે. જોકે, સત્તાવાર જાહેરાત બાકી છે.  આજે મોડી રાત સુધીમાં વિધિવત જાહેરાત થઈ શકે છે.

હાઈકમાન્ડે જે.પી.મારવિયાને ફોન કરીને આપ્યો આદેશ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી.મારવિયાને ફોન કરીને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો આદેશ અપાયો છે. મારવિયાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની પણ સૂચના આપી છે. ભાજપે જામનગર બેઠક પરથી સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર આહિર અને પાટીદાર નેતા વચ્ચે જંગ જામશે.

કોણ છે જે.પી.મારવિયા?

મળતી માહિતી અનુસાર, જે.પી. મારવિયા કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. જે.પી. મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે અને તેઓ કાલાવડ બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે.

જામનગર લોકસભા બેઠક પર આહિર સમાજનું પ્રભુત્વ

જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. આ બેઠક પર વર્ષ 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે છ વખત અને અન્ય પક્ષોને બે વાર જીત મળી છે. આ બેઠક આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે આહિર સામે કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી નવો દાવ ખેલ્યો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.

જાતિગત સમીકરણ

જાતિગત સમીકરણો પર નજર કરીએ તો, જામનગર બેઠક પર મુસ્લિમ મતદારોની સાથે સાથે લેઉઆ પટેલ અને કડવા પટેલ, SC અને ST મતદારો, બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. આ સાથે મુસ્લિમ મતદારોની 13.86 ટકા, આહિર સમાજની 5.69 ટકા, SC અને ST મતદારોની 14.92 ટકા સંખ્યા છે.


Google NewsGoogle News