Get The App

કોંગ્રેસ ફરી મજબૂત કેવી રીતે થઇ? સોનિયા ગાંધીએ જણાવ્યું કારણ, PM મોદી સામે પણ તાક્યું નિશાન

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ ફરી મજબૂત કેવી રીતે થઇ? સોનિયા ગાંધીએ જણાવ્યું કારણ, PM મોદી સામે પણ તાક્યું નિશાન 1 - image


- કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે ફરી સર્વાનુમતે સોનિયા ગાંધીની વરણી

- રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવા સીડબલ્યુસીમાં માગ : 'યુવરાજે' વિચારવા સમય માગ્યો

- લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીનો રાજકીય-નૈતિક પરાજય થયો, ભાજપ નેતાએ નેતૃત્વનો અધિકાર ગુમાવ્યો : સોનિયા

Lok Sabha Elections Result 2024 | કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની શનિવારે સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય પક્ષ (સીપીપી)ના અધ્યક્ષ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. બીજીબાજુ કોંગ્રેસ કારોબારીની બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની વરણી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે, રાહુલ ગાંધીએ આ સંદર્ભમાં વિચારવા માટે થોડોક સમય માગ્યો છે.

કોંગ્રેસના સાંસદોની બેઠકમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની નિમણૂક કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્તનું ગૌરવ ગોગોઈ, કે. સુધાકરન અને તારીક અન્વરે સમર્થન કર્યું હતું. ૭૭ વર્ષીય સોનિયા ગાંધી ફેબુ્રઆરીમાં રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં.

આ પહેલાં કોંગ્રેસ કારોબારી બેઠકમાં સર્વસંમતિથી લોકસભામાં વિપક્ષના નેતાની જવાબદારી સંભાળવા માટે રાહુલ ગાંધીની પસંદગી કરાઈ હતી. જોકે, તેમણે પક્ષના ટોચના નેતાઓને કહ્યું કે, તેઓ આ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય કરશે. કારોબારી સમિતિની બેઠક પછી કોંગ્રેસ નેતા મણિકમ ટાગોરે જણાવ્યું હતું કે, બેઠકમાં સોનિયા ગાંધીની સીપીપી અધ્યક્ષ તરીકે વરણી કરાઈ છે. હવે સીપીપી અધ્યક્ષે લોકસભામાં વિપક્ષના નેતા અંગે નિર્ણય કરવાનો છે. સોનિયા ગાંધી વર્ષ ૧૯૯૯થી સતત સંસદીય પક્ષના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યાં છે.

વર્ષ ૨૦૧૪થી જ લોકસભા વિપક્ષના નેતા વિના જ ચાલી રહી છે, કારણ કે કોઈપણ પક્ષ આ ભૂમિકા સંભાળવા માટે જરૂરી બેઠકો જીતી શક્યો નથી. જોકે, તાજેતરમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે વિશ્લેષકોની અપેક્ષાથી વિપરિત અભૂતપૂર્વ દેખાવ કરતાં ૯૯ બેઠકો જીતી લીધી હતી અને કોંગ્રેસ ૨૦૧૪ પછી પહેલી વખત વિપક્ષના નેતાનું પદ મેળવવા યોગ્ય બન્યો છે. આ પદ માટે કોઈપણ વિપક્ષ માટે ગૃહમાં કુલ બેઠકોના ઓછામાં ઓછા ૧૦ ટકા સુરક્ષિત રાખવી જરૂરી છે.

સીપીપી અધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી સોનિયા ગાંધીએ કહ્યું કે, અભૂતપૂર્વ, વ્યક્તિગત, રાજકીય હુમલાઓથી લડવા માટે રાહુલ ગાંધી તેમની દૃઢતા અને દૃઢ સંકલ્પ માટે વિશેષ આભારી છે. ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા હકીકતમાં ઐતિહાસિક આંદોલન હતા, જેણે બધા જ સ્તરો પર આપણા પક્ષને જીવંત કરી દીધો છે. તેમણે ઉમેર્યું કે, પોતાના નામે જનાદેશ માગનારા પીએમ મોદી નેતૃત્વનો અધિકાર ગુમાવી ચૂક્યા છે. આ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીનો રાજકીય અને નૈતિક પરાજય થયો છે. જોકે, તેઓ શાસનની શૈલી બદલશે તેવી તેમની પાસેથી આશા રાખી શકાય તેમ નથી તેમજ તેઓ લોકોની ઈચ્છાનું ધ્યાન રાખશે તેમ પણ કહી શકાય તેમ નથી.


Google NewsGoogle News