Get The App

વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટૂંક સમયમાં ભારતમાં શરૂ કરશે કેમ્પસ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ માટે ખુશખબરઃ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટૂંક સમયમાં ભારતમાં શરૂ કરશે કેમ્પસ 1 - image


John Hopkins University: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે અમેરિકાના મેરીલૅન્ડમાં સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ભારતમાં તેનું કેમ્પસ સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. આ પગલું ભારતમાં શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ બેઠક દરમિયાન યુનિવર્સિટીની સાથે શૈક્ષણિક અને રિસર્ચ જગતમાં ભારત સાથે સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ ઊંડી રુચિને ધ્યાનમાં રાખતાં સરકારને ટૂંક સમયમાં હકારાત્મક પરિણામો મળવાની આશા છે.

ગુપ્તા ક્લિન્સકી ઇન્ડિયા ઈન્સ્ટિટ્યુટના અધિકારીઓ પણ સામેલ

આ મામલા સાથે સબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, ડુઅલ અને સંયુક્ત ડિગ્રી કાર્યક્રમો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રુચિ અને ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભાવિ ટૅક્નોલૉજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રિસર્ચ ભાગીદારીના ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ હતી. અમેરિકાથી ભારત આવેલી ટોચની વૈશ્વિક સંસ્થાઓનું આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ છે. તેનું નેતૃત્વ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અધ્યક્ષ રોનાલ્ડ જે. ડેનિયલ્સ કરી રહ્યા છે. તેમાં ગુપ્તા ક્લિન્સકી ઇન્ડિયા ઈન્સ્ટિટ્યુટના અધિકારીઓ પણ સામેલ છે, જે યુનિવર્સિટીની એક શાખા છે અને તે સંશોધન, શિક્ષણ અને નીતિના માધ્યમથી યુનિવર્સિટીને ભારતીય ભાગીદારો સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. બેઠકમાં ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020(NE)ના લક્ષ્યો પર પણ ચર્ચા કરી હતી. 

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્વભરમાં માત્ર 10 કેમ્પસ

નોંધનીય છે કે, JHU વૈશ્વિક સ્તરે ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. તે સંશોધન, ચિકિત્સા અને શિક્ષણમાં પોતાના યોગદાન માટે પ્રસિદ્ધ છે. જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પોતાના અગ્રણી કાર્ય માટે ઓળખાય છે. 1876માં તેની સ્થાપના થઈ ત્યારથી તે વિશ્વભરમાં અગ્રણી રહી છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ અને ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) જેવી તાજેતરની વૈશ્વિક રેન્કિંગમાં JHU મોટા ભાગે વિશ્વભરની ટોચની 15થી 20 સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્વભરમાં માત્ર 10 કેમ્પસ છે, જેમાંથી બે અમેરિકાની બહાર છે. યુનિવર્સિટીએ બોલોગ્ના, ઈટાલીમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑફ એડવાન્સ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (SAIS) યુરોપ કેમ્પસ અને ચીનના નાનજિંગમાં હોપકિન્સ-નાનજિંગ સેન્ટર ખોલ્યું છે.


Google NewsGoogle News