'JNUમાં ધરણાં બદલ 20,000, દેશવિરોધી નારાબાજી બદલ 10,000નો દંડ', નવા આદેશથી વિદ્યાર્થીઓ નારાજ

અગાઉ માર્ચમાં પણ આવા જ કપરાં નિયમો લાગુ કરાતાં વિદ્યાર્થીઓ ભડક્યાં હતાં

વિરોધને પગલે અગાઉનો નિયમ પાછો ખેંચવાની ફરજ પડી હતી, હવે ફરી નવો આદેશ

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
'JNUમાં ધરણાં બદલ 20,000, દેશવિરોધી નારાબાજી બદલ 10,000નો દંડ', નવા આદેશથી વિદ્યાર્થીઓ નારાજ 1 - image

image : IANS



JNU new Rules for students | જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં ફરી એકવાર નવા નિયમો લાગુ કરવા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓ ફરી નારાજ દેખાઈ રહ્યા છે. નવા નિયમો અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશવિરોધી નારાબાજી કરશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

શું વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ? 

જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે માંગણીઓ કરી શકશે નહી. તેના માટે 20,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર દેશવિરોધી નારા લગાવશે તો તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગશે.

JNUના આદેશ પર વિદ્યાર્થીઓમાં નારાજગી

જો કે નવા આદેશ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન એબીવીપીના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એક આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.

માર્ચમાં પણ આદેશ જારી કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થશે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.

'JNUમાં ધરણાં બદલ 20,000, દેશવિરોધી નારાબાજી બદલ 10,000નો દંડ', નવા આદેશથી વિદ્યાર્થીઓ નારાજ 2 - image


Google NewsGoogle News