કોરોનાના નવા વેરિયન્ટ JN.1નો કહેર: જાણો ડિસેમ્બરમાં જ કેમ આવે છે કોરોનાની નવી લહેર
Image Source: Twitter
- દેશમાં કોવિડ 19નો ખતરો ફરી એક વખત વધી રહ્યો છે
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2023, સોમવાર
વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ થોડા દિવસોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોવિડ 19નો ખતરો ફરી એક વખત વધી રહ્યો છે. પ્રથમ વખત કોરોના વાયરસ ચીનમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. આ વાયરસે દરેકના જીવનને ઉથલ-પાથલ કરી નાખ્યુ હતું. ત્યારબાદ લગભગ દર વર્ષે શિયાળામાં કોરોનાની એક લહેર આવી જાય છે. હવે સવાલ એ છે કે, દર વર્ષે ડિસેમ્બરમાં જ કેમ કોરોનાની લહેર આવે છે.
ચાર વર્ષ બાદ કોવિડ -19 મહામારી સમાપ્ત થઈ ગઈ છે પરંતુ વાયરસ પોતાના અનેક વેરિયન્ટના રૂપમાં આપણા જીવનમાં હાજર છે. આ ડિસેમ્બરમાં મહામારીનું કારણ બનેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં લહેર લાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તેને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટના રૂપમાં વર્ગીકૃત કર્યું છે. પરંતુ એ નોટ કર્યું છે કે, તે જાહેર આરોગ્ય માટે ઓછું જોખમ ઉત્પન્ન કરે છે.
વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં કોવિડ-19માં ત્રણ મોટા વેરિયન્ટ જોવા મળ્યા હતા. તેમાં આલ્ફા (B.1.1.7), બીટા (B.1.351) અને ગામા (P.1) સામેલ હતો. એક વર્ષ બાદ ડિસેમ્બર 2021માં ઓમિક્રોન વેરિયન્ટે લોકડાઉનમાં ઢીલ શરૂ થયાના થોડા જ મહિના બાદ ફરીથી લોકડાઉનમાં નાખી દીધા હતા.
અનેક અભ્યાસોએ એ દર્શાવ્યુ છે કે, ઠંડી અને શુષ્ક હવામાન કોરોના ફેલાવવામાં મદદ કરે છે. કેટલાંક અભ્યાસોએ કોવિડ-19 કેસોમાં વધારા પાછળના પરિબળ તરીકે ઠંડા અને શુષ્ક શિયાળાને ગણાવ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ દ્વારા ટ્રિગર કરવામાં આવેલી બીજી લહેરની શરૂઆતનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવેલા જર્નલ નેચરમાં પ્રકાશિત એક અભ્યાસમાં દર્શાવ્યું છે કે, મહામારીની પ્રથમ લહેર દરમિયાન હવામાનની સ્થિતિએ પ્રભાવિત કર્યું કે, વાયરસ કેટલી સરળતાથી ફેલાય છે.
ચીનની સિચુઆન ઈન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીના સંશોધકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ઠંડા હવામાનમાં રહેતા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થવાની શક્યતા વધુ છે.