PM મોદીના પ્રોટોકોલના કારણે દોઢ કલાક સુધી અટવાયું CMનું હેલિકોપ્ટર, રાષ્ટ્રપતિને કરાઈ ફરિયાદ
Jharkhand Assembly Election 2024: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને સ્ટાર પ્રચારકો માટે સમાન તકો સુનિશ્ચિત કરવા તેમની દરમિયાનગીરીની માંગ કરી છે. જેએમએમએનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હવે આ મુદ્દે રાજકારણ જોર પકડતું જોવા મળી રહ્યું છે. ભાજપ અને જેએમએમના નેતાઓ એકબીજા પર નિશાન સાધી રહ્યા છે.
આ પણ વાંચો: હું 14 ચૂંટણી લડી ચૂક્યો છું, મારે સત્તા નથી જોઈતી, હું માત્ર સમાજ માટે કામ કરીશઃ શરદ પવાર
જાણો શું છે વિવાદ
ઝારખંડ મુક્તિ મોરચાએ દાવો કર્યો કે, વડપાધાન નેરન્દ્ર મોદીની ગઢવા અને ચાઈબાસાની મુલાકાતને કારણે 'નો-ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું હતું કે સુરક્ષાના કારણોસર 50 કિલોમીટરની ત્રિજ્યામાં 15 મિનિટ માટે નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરી શકાય છે. પરંતુ નિયમોનો ભંગ કરીને મુખ્યમંત્રી હેમંત સોરેનના હેલિકોપ્ટરને 90 મિનિટથી વધુ સમય સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
જેએમએમના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લખેલા પત્રમાં લખ્યું છે કે, 'અમારા મુખ્યમંત્રી આદિવાસી સમુદાયમાંથી આવે છે અને ઘણાં સંઘર્ષ બાદ આ પદ પર પહોંચ્યા છે. તમે પણ આદિવાસી સમુદાયના છો અને લાંબા સંઘર્ષ બાદ તમે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છો.' તેમણે રાષ્ટ્રપતિને આદિવાસી જનપ્રતિનિધિઓ સહિત તમામ સ્ટાર પ્રચારકોને સમાન બંધારણીય રક્ષણ અને સન્માન મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
જેએમએમ હવે બહાનું બનાવી રહ્યું છે: ભાજપ
આ મામલે ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, 'પોતાની નિશ્ચિત હારને જોતા JMM હવે બહાના બનાવી રહ્યું છે. પહેલા તેમણે ચૂંટણીની તારીખોને લઈને ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા. હવે તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન તેમને સમાન તકો આપવામાં આવે, જ્યારે બધા જાણે છે કે વડાપ્રધાન જે વિસ્તારોમાં મુલાકાત લે છે ત્યાં હવાઈ ઉડાનનો પ્રોટોકોલ હોય છે. તે મુજબ નિર્ણયો લેવામાં આવે છે. અત્યારે તેઓએ (જેએમએમ) રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે, જો તેઓ યુએનના મહાસચિવ પાસે પણ જાય તો તે મોટી વાત નહીં હોય. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે ત્યારે તેમનો (જેએમએમ) સફાયો થઈ જશે, આ એક બહાનું છે જેઓ હારથી ડરતા હોય છે.'