સરકાર બન્યાના બીજા જ દિવસે PM મોદીએ મંત્રીઓને આપ્યું 'ટાસ્ક', કહ્યું- સપ્તાહના ચાર દિવસ કરો આ કામ
Modi Government 3.0: એનડીએ સરકારનું ગઠન થવાની સાથે જ નવી સરકારે કામકાજ શરૂ કરી દીધા છે. કેબિનેટ મંત્રી બનેલા જીતન રામ માંઝીનું કહેવું છે કે આ વખતે પહેલાં કરતાં વધુ મુશ્કેલ પગલાં ભરવા પડશે, વડાપ્રધાન આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થામાં બનાવવા મક્કમ છે, આ માટે મંત્રીઓને કામગીરી સોંપવામાં આવી છે. તેમજ મંત્રીઓને કામકાજની શરૂઆતના પ્રથમ ચાર દિવસમાં ઓફિસ ન છોડવા નિર્દેશ કરવામાં આવ્યો છે.
મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયાના પહેલા ચાર દિવસ દરમિયાન કોઈપણ મંત્રી તેમની ઓફિસ છોડશે નહીં. માંઝીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાને અમને ટાસ્ક આપ્યો છે કે તમે ચાર દિવસ - સોમવાર, બુધવાર, મંગળવાર અને ગુરુવાર માટે હેડક્વાર્ટર છોડશો નહીં." સરકારી કામ છે, અમે તેમાં રોકાઈશું, બાદમાં અમે અમારા ક્ષેત્રમાં પાછા જઈશું.''
માંઝી સૌથી વરિષ્ઠ મંત્રી
79 વર્ષીય જીતન રામ માંઝી મોદી કેબિનેટમાં સૌથી વધુ વરિષ્ઠ મંત્રી બન્યા છે. માંઝીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના 23માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)ના સંસ્થાપક અધ્યક્ષ છે. અગાઉ તેઓ નિતિશ કુમારની કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ગયા બેઠક પરથી જીત્યા છે. અન્ય યુવા મંત્રીઓમાં ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી અને 71 મંત્રીઓએ રવિવારે શપથ લીધા હતા.
જેપી નડ્ડા 5 વર્ષ બાદ કેબિનેટમાં પરત ફર્યા
આ વખતે મોદી સરકાર 3.0માં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પાંચ વર્ષ બાદ કેબિનેટમાં પાછા ફર્યા છે જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પહેલીવાર કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મોદી કેબિનેટમાં નવો ચહેરો છે. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો, હવે નરેન્દ્ર મોદીના નામે પણ છે.