ઇંડીયા ગઠબંધનને ઝારખંડમાં આંચકો, CPI ગઠબંધનથી અલગ રહી ચૂંટણી લડશે

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
ઇંડીયા ગઠબંધનને ઝારખંડમાં આંચકો, CPI ગઠબંધનથી અલગ રહી ચૂંટણી લડશે 1 - image


- કોંગ્રેસના એક માત્ર સાંસદ ભાજપામાં જોડાયા

- ઝારખંડની લોકસભાની 14 બેઠકો પૈકી સીપીઆઈની 11, ઓલ ઝારખંડ સ્ટુડન્ટસ યુનિયન પાસે 1, ઝારખંડ મુકિત મોરચા પાસે 1 બેઠક છે

રાંચી : ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)એ જાહેર કર્યું છે કે, તે ઝારખંડમાં વિપક્ષી ગઠબંધન ઇંડિયાથી અલગ રહી લોકસભાની ચૂંટણી લડશે. રવિવારે સાંજે  એલાન કરતાં તેણે જણાવ્યું હતું કે, રાજ્યની લોકસભાની ૧૪ બેઠકો પૈકી આઠ બેઠકો ઉપર એકલે હાથે ચૂંટણી લડશે. જો કે અત્યરે સીપીઆઈના એક પણ સાંસદ ઝારખંડમાંથી લોકસભામાં ગયા નથી. આમ છતાં સીપીઆઈ અલગ થવાથી ઇંડીયા ગઠબંધનની એકતાને ભારે આંચકો લાગ્યો છે. એક તરફ સીપીઆઈએ કોંગ્રેસની કાર્યશૈલી ઉપર નિશાન સાંધ્યું છે, તો બીજી તરફ ઝામુમોએ સીપીઆઈ ઉપર પ્રહારો શરૂ કરી દીધા છે.

સીપીઆઈના પ્રદેશ મહામંત્રી મહેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, અમે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાના છીએ. ભાજપાએ તો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ કોંગ્રેસ અને મહા-ગઠબંધને હજી સુધી બેઠકોની ફાળવણી અંગે ચર્ચા પણ શરૂ કરી નથી. તેથી અમે એકલે હાથે ચૂંટણી લડવા નિર્ણય કર્યો છે. પાર્ટીની પ્રદેશ સમિતિએ રાંચી હઝારી બાગ, કોડર્મા, ચતરા, પલાયુ, ગિરિડીટ, દુમકા અને જમશેદપુરમાંથી ઉમેદવારો ઉતારવા નિર્ણય લીધો છે.

દરમિયાન, ઝારખંડ મુકિત મોરચા (ઝમુમો)ના પ્રવકતા મનોજ પાંડેયે કહ્યું છે કે, મારી સમજણમાં નથી આવતું કે શું પ્રદેશ એકમ આ પ્રકારનો નિર્ણય લઈ શકે ? બેઠકોની ફાળવણી અંગે તો રાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી જ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની લોકસભાની ૧૪ સીટો પૈકી ભાજપા પાસે ૧૧, ઓલ ઝારખંડ સ્ટુડન્ટસ યુનિયન (ઓજાસુ) પાસે ૧, ઝામુમો પાસે એક, અને કોંગ્રેસ પાસે ૧ સીટ હતી. જો કે કોંગ્રેસનાં એક માત્ર સાંસદ ગીતા કોડા તાજેતરમાં જ ભાજપામાં જોડાઈ ગયા છે.


Google NewsGoogle News