Get The App

VIDEO: ઝારખંડમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે જવાન શહીદ, ત્રણ ઘાયલ

નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલી પોલીસ ટીમ પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
VIDEO: ઝારખંડમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે જવાન શહીદ, ત્રણ ઘાયલ 1 - image


Naxalite attack in Jharkhand : ઝારખંડના ચતરા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થતાં બે જવાનો શહીદ અને ત્રણ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ પોલીસની ટીમ ત્યાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી હતી, આ દરમિયાન નક્સલવાદીઓએ અચાનક હુમલો કર્યો. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરી રાંચી મોકલાયા છે. હાલ ચતરા જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરાયો છે. આ ઉપરાંત સર્ચ ઓપરેશન સાથે વિસ્તારને પણ ઘેરી લેવાયો છે.

ઘણા નક્સલીઓને પણ ગોળી વાગી હોવાના અહેવાલ

અથડામણમાં ઘણા નક્સલીઓને પણ ગોળીવાગી હોવાના અહેવાલ છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તમામ જવાનો પોલીસ વિભાગની સંયુક્ત ટીમ સાથે ગમહારતરી ગામથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સદર પોલીસ સ્ટેશન અને જોરી બોર્ડર પર સ્થિત બૈરિયોતરી જંગલમાં અથડામણ થઈ. ઘાયલ જવાનોમાં એકનું આકાશ સિંહ હોવાનું સામે આવ્યું છે, જેને તુરંત એરલિફ્ટ કરી રાંચી લઈ જવાયા છે.

નક્સલીઓ હુમલો કરવા ઘાત લગાવી બેઠા હતા

એસડીપીઓ સંદીપ સુમને ઘટનાની પુષ્ટિ કરી કહ્યું કે, પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. અમારા જવાનોએ નક્સલીઓને વળતો જવાબ આપ્યો છે. નક્સલીઓ હુમલો કરવા માટે ઘાત લગાવીને બેઠા હતા. સદર પોલીસ સ્ટેશનના બે જવાનો વજીરગંજના રહેવાસી સિકંદર સિંહ ગયા અને પલામૂના રહેવાસી સુકન રામ શહીદ થયા છે. બિહારના ઔરંગાબાદના રહેવાસી આકાશ સિંહ નામના જવાન અને અન્ય બે જવાનને ગોળી વાગી છે. આ તમામ જવાનો સદર પોલીસ સ્ટેશનમાં તહેનાત હતા.

નક્સલીઓએ રેલવે ટ્રેક ઉડાવી, 13 ટ્રેનો રદ

આ અગાઉ શુક્રવારે નક્સલવાદીઓએ પશ્ચિમ સિંધભૂમ જિલ્લામાં રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો, જેના કારણે 13 ટ્રેન રદ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, માઓવાદીઓએ ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં રેલ્વે ટ્રેકનો એક ભાગ ઉડાવી દેતા હાવડા-મુંબઈ રૂટ પર કેટલાક કલાકો સુધી ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. ઘટના અંગે રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાને કારણે ઓછામાં ઓછી 13 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને એકને ડાયવર્ટ કરવામાં આવી હતી.


Google NewsGoogle News