માઓવાદીઓનું મોટું કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ પાંચ IED જપ્ત કર્યા
-CRPF અને પોલીસ દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયુ
-આ પહેલા નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન 11 IED જપ્ત કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી,તા. 19 નવેમ્બર 2022, શનિવાર
ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં માઓવાદીઓના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ હુમલો કરવા માટે માઓવાદીઓ દ્વારા અગાઉથી લગાવેલા પાંચ IED જપ્ત કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના કોલ્હન વિસ્તારમાં CRPF અને પોલીસ દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સુરક્ષા દળોને બાંકી લુઈયા જંગલમાં પાંચ આઈઈડી મળી આવ્યા હતા. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને આ આઈઈડીને ડિફ્યુઝ કર્યા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક .315 બંદૂક, આઠ જીવંત કારતુસ, કોડેક્સ વાયર અને ત્રણ માઓવાદી બેનરો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન 11 IED જપ્ત કરવામાં આવ્યા હતા.