ઝારખંડમાં ભારતીય સેનાનું ટ્રેઇની વિમાન ક્રેશ, બે પાયલોટો ગુમ, હેલિકૉપ્ટર દ્વારા શોધખોળ શરુ
Trainee Plane Crashes In Jamshedpur : ઝારખંડના જમશેદપુરમાં એક ટ્રેઇની વિમાન ક્રેશ થયું છે, જેમાં બે પાયલોટો ગુમ થયા છે. આ વિમાન સોનારી ઍરપૉર્ટ પરથી ટેક ઑફ થયા બાદ ગુમ થયું હતું. વિમાનનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તેનો કાટમાળ મળી આવ્યો છે. જ્યારે વિમાનમાં સવાર બન્ને પાયલોટો ગુમ થયા બાદ તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
વિમાનનો કાટમાળ મળ્યો, પાયલોટો ન મળ્યા
મળતા અહેવાલો મુજબ જમશેદપુરના સોનારી ઍરપૉર્ટ પરથી આજે સવારે 11 કલાકે બે પાયલોટ સાથે એક ટ્રેઇની વિમાન ટેક ઑફ થયું હતું. થોડા સમય બાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ જમશેદપુર અને સરાયકેલાની પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ વિમાનની શોધખોળ શરુ કરી હતી. જેમાં જિજિકા પંચાયતના બારૂબેલા વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. જો કે ત્યાંથી બન્ને પાયલોટો ન મળતાં તંત્રએ ચિંતા વ્યક્ત કરી હતી.
બે પાયલોટ ગુમ, શોધવા માટે હેલિકૉપ્ટરની મદદ લેવાઈ
હાલ બન્ને ટ્રેઇની પાયલોટની શોખધોળ કરવા માટે હેલિકૉપ્ટરની મદદ લેવાઈ છે. એવી આશા વ્યક્ત કરાઈ છે કે, પ્લેનના ક્રેશ લેન્ડિંગ દરમિયાન બન્ને પાયલોટ્સ બહાર નીકળી ગયા હશે. જો કે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે.
ટ્રેઇની વિમાન શું હોય છે?
ટ્રેઇની વિમાન તાલીમ આપવા માટે હોય છે. આ પ્લેનમાં કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ હોય છે. આ બે સીટર એરક્રાફ્ટમાં ટ્રેઇની પાયલટની સાથે એક પ્રશિક્ષિત પાયલટ હોય છે. પ્રશિક્ષિત પાયલટ ટ્રેઇની પાયલટને તાલીમ અને યોગ્ય સૂચના આપી શકે તે માટે વિમાનમાં બન્ને એક બીજાને જોઈ શકે તે રીતે બેઠક વ્યવસ્થા હોય છે. જો શીખનાર કોઈ ભૂલ કરે તો પ્રશિક્ષક તેના પર નજર રાખે છે અને તેને સૂચના આપી શકે છે. સામાન્ય રીતે આ બે સીટર એરક્રાફ્ટનો ઉપયોગ નાગરિક ઉડ્ડયન તાલીમ માટે થાય છે.