કારણ વિના પતિથી અલગ રહેતી પત્ની ભરણ પોષણની હકદાર નહીં, ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો

પોતાની મરજીથી પતિનું ઘર છોડનારી પત્નીના કેસ મુદ્દે મહત્ત્વનો ચુકાદો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
કારણ વિના પતિથી અલગ રહેતી પત્ની ભરણ પોષણની હકદાર નહીં, ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો 1 - image


Court News : ઝારખંડ હાઈકોર્ટે ભરણ-પોષણના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે પતિ પરેશાન કરતો ન હોય, પરિવારના સભ્યો ત્રાસ આપતા ન હોય તેમ છતાં જો કોઈ પત્ની પતિથી જુદી રહેવાનું પસંદ કરે એ કિસ્સામાં તે ભરણ-પોષણનો દાવો કરી શકે નહીં. રાંચીની ફેમિલી કોર્ટે જુદી રહેતી પત્નીને 15 હજાર ભરણ-પોષણ આપવાનો જે આદેશ આપ્યો હતો તે ઝારખંડ હાઈકોર્ટે રદ્ કર્યો હતો.

ફેમિલી કોર્ટનો આદેશ ઝારખંડ હાઈકોર્ટે રદ્ કર્યો

ઝારખંડ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સુભાષ ચંદ્રની બેંચે પતિ-પત્નીના ભરણ-પોષણના કેસની સુનાવણી કરી હતી. રાંચીના અમિત કચ્છપ નામના પતિએ રાંચી ફેમિલી કોર્ટના 2017ના ચુકાદા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પતિએ દાવો કર્યો હતો કે લગ્ન થયાના થોડા દિવસ બાદ જ પત્ની કોઈ કારણ આપ્યા વગર ચાલી ગઈ હતી. દરેક વખતે તેને પાછા આવવા માટે કહેવાયું ત્યારે તે જુદા જુદા બહાના બતાવીને ટાળતી રહેતી હતી. થોડા સમય પછી પત્નીએ રાંચીની ફેમિલી કોર્ટમાં ભરણ-પોષણ માટે અરજી કરી હતી. ફેમિલી કોર્ટે પત્નીની અરજી માન્ય રાખીને પતિને દર મહિને 15 હજાર રૂપિયા ભરણ-પોષણ આપવાનો આદેશ આપ્યો હતો. 

પતિએ ફેમિલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો

ફેમિલી કોર્ટના ચુકાદા સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ એવો ચુકાદો આપ્યો હતો કે કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણ-પોષણનો દાવો કરી શકે નહીં. પતિ કે સાસરિયાએ ત્રાસ આપીને તેને ઘરમાંથી કાઢી મૂકી હોય તો ભરણ-પોષણની અરજી માન્ય રાખી શકાય, પરંતુ એવું કોઈ કારણ ન હોય ને પોતાની રીતે ઘર છોડીને જાય તો પત્નીને ભરણ-પોષણ આપી શકાય નહીં. ન્યાયધીશ સુભાષ ચંદ્રએ કહ્યું કે પત્ની વતી એવા કોઈ પુરાવા રજૂ થયા નથી, જેમાં પતિનો કે પરિવારનો ત્રાસ હોય ને ઘર છોડવું પડયું હોય એ સાબિત થાય. પત્નીએ રજૂ કરેલા પુરાવા વિરોધાભાષી છે તેથી ભરણ-પોષણનો ફેમિલી કોર્ટનો આદેશ રદ્ કરવામાં આવે છે.

કારણ વિના પતિથી અલગ રહેતી પત્ની ભરણ પોષણની હકદાર નહીં, ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો 2 - image


Google NewsGoogle News