ઝારખંડ: હેમંત સોરેન સરકારે વિશ્વાસ મત જીત્યો, BJPએ કર્યુ વોકઆઉટ
રાંચી, તા. 05 સપ્ટેમ્બર 2022 સોમવાર
ઝારખંડમાં લાંબા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેનએ વિશ્વાસ મત જીતી લીધો છે. સરકારના પક્ષમાં 48 વોટ પડ્યા છે જ્યારે ભાજપે સભાગૃહની બહાર બહિષ્કાર કર્યો છે. સોમવારે હેમંત સોરેને વિધાનસભાનુ વિશેષ સત્ર બોલાવ્યુ હતુ. રવિવારે મોડી રાતે ધારાસભ્ય દળની બેઠક થઈ હતી. જેમાં વિશ્વાસ પ્રસ્તાવનો નિર્ણય લેવાયો હતો.
વિધાનસભા સત્ર માટે પાર્ટીની રણનીતિને અંતિમ રૂપ આપવા માટે સવારે લગભગ 9 વાગે બેઠક થઈ. પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ કહ્યુ હતુ કે વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે વિશેષ સત્ર બોલાવવુ સમજથી પર છે.
મંત્રી ચંપઈ સોરેને ટ્વીટ કરી કહ્યુ કે આજે ઝારખંડ માટે મહત્વનો દિવસ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં અમારી સરકાર વિપક્ષના આરોપોનો જવાબ આપશે. સભાગૃહમાં અમારી પાસે સ્પષ્ટ બહુમત છે.