કેજરીવાલની જેમ જામીન મેળવવાનું સપનું રોળાયું, આ રાજ્યના CMની સુપ્રીમકોર્ટે અરજી ફગાવી દીધી

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલની જેમ જામીન મેળવવાનું સપનું રોળાયું, આ રાજ્યના CMની સુપ્રીમકોર્ટે અરજી ફગાવી દીધી 1 - image


Image Source: Twitter

Hemant Soren Bail Reject : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દેતા ઝારખંડના સીએમનું કેજરીવાલની જેમ જામીન મેળવવાનું સપનું રોળાયું છે. હેમંત સોરેન હાલમાં જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ મામલે રાંચીની જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વકીલ કપિલ સિબ્બલને કહ્યું કે, અમે જામીન અરજીને મંજૂરી ન આપી શકીએ તેથી તમે પોતે જ અરજી પાછી ખેંચી લો. જેના પર વકીલે સુપ્રીમ કોર્ટના આદેશનો સ્વીકાર કરીને અરજી પાછી ખેંચી લીધી છે.

સુપ્રીમ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર દ્વારા જામીન અરજીમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, ટ્રાયલ કોર્ટે આ કેસમાં ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ હેમંત સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, અમે વચગાળાના જામીનની માગ કરતી અરજી પાછી ખેંચીએ છીએ.

એક સમયે બે માગ કરતા જામીન અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની જામીન અરજી પર ટિપ્પણી કરતા કહ્યું કે કોર્ટમાં એક સાથે બે માગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માગ વચગાળાના જામીનની છે અને બીજી માગમાં ધરપકડને પડકારવામાં આવી છે. આ દરમિયાન EDએ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે જામીન મળશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માગ કરશે.

CM કેજરીવાલને મળેલી રાહતનો પણ હવાલો આપ્યો 

ઝારખંડના પૂર્વ સીએમની જામીન અરજીમાં સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલી રાહતનો હવાલો આપવામાં આવ્યો હતો. તેમણે પોતાની અરજીમાં આવી જ રીતે જામીન આપવાની અપીલ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરતા અરજી ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો આરોપ છે કે, હેમંત સોરેને રાંચીમાં ગેરકાયદેસર રીતે 8.86 એકર જમીન અધિગ્રહણ કરી છે.



Google NewsGoogle News