‘...તો આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં’ ચંપઈ સોરેનનું છલકાયું દર્દ, ભાજપમાં જવાનું કારણ પણ જણાવ્યું
Champai Soren: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા ચંપઇ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં સત્તાવાર રીતે જોડાશે. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હેમંત સોરેન અને તેમની પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ પર ગંભીર આરોપો લગાવી આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાવ્યું છે.
શું કહ્યું ચંપઇ સોરેને?
ચંપઇ સોરેને વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, 'પાર્ટીમાં એવું કોઈ મંચ/પ્લેટફોર્મ નહોતું કે જ્યાં હું મારું દર્દ વ્યક્ત કરી શકું. મારાથી વરિષ્ઠ નેતાઓ સ્વાસ્થ્યના કારણોસર રાજકારણથી દૂર રહે છે, જેથી આદિવાસીઓની ઓળખ અને તેમનું અસ્તિત્વ બચાવવા માટે મેં ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. હું સતત ઝારખંડની પ્રજાથી મળીને તેમના અભિપ્રાયો જાણવાના પ્રયાસો કરતા રહ્યો. આ દરમિયાન કોલ્હાન ક્ષેત્રની પ્રજા દરેક પરિસ્થિતિમાં મારી સાથે ઉભી હતી અને તે જ લોકોએ મારા સંન્યાસ લેવાના વિકલ્પને નકારી દીધો હતો.'
પરગણામાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મોટી સમસ્યા
ચંપઇ સોરેને કહ્યું કે, 'આજે બાબા તિલકા માંઝી અને સિદો-કાન્હુની પવિત્ર ભૂમી સંથાલ પરગણામાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મોટી સમસ્યા બની ચૂકી છે. આનાથી દુર્ભાગ્યપૂર્ણ શું થઇ શકે છે કે જે વીરોએ જળ, જંગલ તેમજ જમીનની લડાઇમાં ક્યારેય વિદેશી અંગ્રેજોની ગુલામી ન સ્વિકારી આજે તેમના વંશજોની જમીનો પર આ ઘૂસણખોરો કબજો કરી રહ્યા છે. આ લોકોના કારણે ફૂલો-જાનો જેવી વિરાંગનાઓને પોતાનું આદર્શ માનનારી આપણી માતાઓ, બહેનો અને દિકરીઓની ઓળખ જોખમમાં છે.'
આ પણ વાંચોઃ રાજ્યસભામાં ચૂંટણી વિના જીત્યા 12 સાંસદ: સૌથી વધુ ફાયદો ભાજપને, જુઓ લિસ્ટ
ઘૂસણખોરી ન રોકાઇ તો આદિવાસીઓનું અસ્તિત્વ જોખમમાં
ઝારખંડના પૂર્વ સીએમે કહ્યું કે, 'આદિવાસીઓ તેમજ મૂળ વતનીઓને આર્થિક અને સામાજિક રૂપે નુકસાન પહોંચાડી રહેલા આ ઘૂસણખોરોને રોકવામાં નહી આવે તો સંથાલ પરગણામાં આપણા સમાજનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. પાકુડ, રાજમહેલ સહિત ઘણા અન્ય ક્ષેત્રોમાં તેમની સંખ્યા આદિવાસીઓથી વધી ગઇ છે. રાજકારણથી હટાવી આપણે આ મુદ્દાને એક સામાજિક આંદોલન બનાવવું પડશે, ત્યારે જ આદિવાસીઓનું અસ્તિત્વ બચી શકશે. આ મુદ્દે માત્ર ભાજપ જ ગંભીર દેખાઇ રહી છે અને અન્ય પક્ષો માત્ર વોટોના કારણે આને અવગણી રહ્યા છે, માટે આદિવાસીઓની ઓળખ અને અસ્તિત્વ બચાવવા હું ભાજપમાં જોડાઇ રહ્યો છું.'