બેનામી રોકડના કેસમાં ઝારખંડનાં કોંગ્રેસી મંત્રી આલમગીરની ધરપકડ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
બેનામી રોકડના કેસમાં ઝારખંડનાં કોંગ્રેસી મંત્રી આલમગીરની ધરપકડ 1 - image


- સચિવના નોકરને ત્યાંથી 37 કરોડ રોકડા મળ્યા હતાં

- ગ્રામીણ મંત્રી ચાર વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે સોરેન પછી નાયબ સીએમ બનવાની અટકળો હતી

નવી દિલ્હી : ઝારખંડ સરકારમાં કોંગ્રેસના મંત્રી આલમગીર આલમની  બેનામી રોકડના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ મંગળવારે દસ કલાક પૂછપરછ બાદ ધરપકડ કરી છે. આલમગીર આલમના સચિવના નોકરના ઘરેથી ૩૭ કરોડ રુપિયાની રોકડ પકડાઈ હતી.આ રોકડ ગણવા માટે ઇડીએ રીતસરના મશીનો લાવવા પડયા હતા અને તેમા બે દિવસ લાગ્યા હતા. 

ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમની મંગળવારે સવારે દસ વાગ્યાથી પૂછપરછ કરવામાં આવતી હતી. તેના પછી ઇડીએ તેમની ધરપકડને સમર્થન આપ્યું છે. ઇડીએ રવિવારે આલમને સમન્સ પાઠવ્યા હતા. તેમને ૧૪ મેના રોજ રાંચી સ્થિત ઝોનલ કચેરીમાં હાજર થવા જણાવવામાં આવ્યું હતું. તે મંગળવારે ઇડીની સામે હાજર થયા હતા. તેના પછી આજે ઇડીએ તેમને ફરીથી બોલાવ્યા હતા.

છ મેના રોજ આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકર જહાંગીર આલમના એપાર્ટમેન્ટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તેને ત્યાંથી ૩૭ કરોડ રુપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડા પછી આલમ અને સંજીવલાલ બેની ધરપકડ કરવામાં આવી હતી. 

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઇડીએ રાંચીમાં કેટલાય સ્થળોએ દરોડા પાડયા હતા. આવા જ એક દરોડા દરમિયાન આ રોકડ જપ્ત કરવામાં આવી હતી. રોકડ ગણવા માટે મશીનો લાવવામાં આવી હતી. બધી ૫૦૦-૫૦૦ની નોટ હતી. આ ઉપરાંત એજન્સીઓએ જહાંગીર આલમને ત્યાંથી કેટલાક ઘરેણા પણ જપ્ત કર્યા હતા. 

આલમગીર આલમ પાકુડ વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના ચાર વખતના વિધાનસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તે ૨૦ ઓક્ટોબર ૨૦૦૬થી ૧૨ ડિસેમ્બર ૨૦૦૯ સુધી ઝારખંડ વિધાનસભા અધ્યક્ષ પણ હતા. તેમણે સરપંચની ચૂંટણી જીતી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૦માં તે પહેલી વખત વિધાનસભ્ય બન્યા હતા.


Google NewsGoogle News