Get The App

જમીન કૌભાંડ કેસ: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ, ચંપઈ સોરેન બનશે નવા CM

જમીન કૌભાંડ કેસમાં ઈડીની પૂછપરછમાં સોરેને સંતોષકારક જવાબ ન આપતા ધરપકડ

હેમંત સોરેને CM પદેથી રાજીનામું આપ્યું, ચંપાઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
જમીન કૌભાંડ કેસ: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ, ચંપઈ સોરેન બનશે નવા CM 1 - image

Jharkhand CM Hemant Soren :કરોડોના કથિત જમીન કૌભાંડ કેસમાં EDએ સાત કલાક પૂછપરછ કર્યા બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરકડ કરવામાં આવી છે. રાંચીના મુખ્યમંત્રી નિવાસસ્થાને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ બાદ હેમંત સોરેન રાજભવન ખાતે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા ગયા હતા, જેને રાજ્યપાલે સ્વિકારી લીધું છે, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં મુખ્યમંત્રી તરીકે ધરપકડ થઈ હોય તેવી પ્રથમ ઘટના બની છે. બીજીતરફ રાજ્યના નવા મુખ્યત્રીનું પણ નામ સામે આવી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન (Champai Soren) ઝારખંડના નવા મુખ્યમંત્રી બની શકે છે. તેઓ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા છે.

સોરેને સંતોષકારક જવાબ ન આપ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આજે બપોરે સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં 7 કલાકની પૂછપરછ દરમિયાન સોરેને સંતોષકારક જવાબ ન આપતા ધરપકડ કરાઈ છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ રાંચીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, તો જેએમએમના કાર્યકર્તાઓ પણ રોષે ભરાઈ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. ઈડીએ અત્યાર સુધીમાં હેમંતને 10 સમન્સ પાઠવ્યા હતા.

ચંપાઈ સોરેન વિધાયક દળના નેતા ચૂંટાયા, CM બને તેવી સંભાવના

આ અગાઉ સોરેન મંગળવારે દિલ્હીથી રોડ માર્ગે 1250 કિલોમીટરની યાત્રા કરી રાંચી પહોંચ્યા હતા. તેમણે 40 કલાકની યાત્રાથી આવી તુરંત ઝારખંડ મુક્તિ મોર્ચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમની પત્ની કલ્પના સોરેન પણ ઉપસ્થિત હતી. બેઠકમાં ધારાસભ્યોએ સોરેન સરકાર પ્રતિ એકતા દર્શાવી છે અને નામ વગરના સમર્થન પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી છે કે, સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની કલ્પના સોરેનને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાશે, જોકે ચંપાઈ સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

7000 પોલીસ જવાનો તૈનાત

આ અગાઉ મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને મુખ્ય સચિવ તેમજ રાજ્યના ડીજીપી અજય કુમારને રાજભવન બોલાવ્યા હતા. જે દરમિયાન સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. ડીજીપીએ પીટીઆઇને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ઝારખંડમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વધારવામાં આવી છે. વધારાના 7000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. રાંચીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધિત આદેશો જારી કરાયા છે. જેમાં મુખ્યમંત્રી આવાસ, રાજભવન અને ઇડીની ઓફિસનો પણ સમાવેશ થાય છે.

સોરેને રવિવારે ઇડીને ઇમેલ કર્યો હતો

હેમંત સોરેન 27મી જાન્યુઆરીની રાતથી ગાયબ હતા, તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા જ્યારે બીજી તરફ ઇડી તેમને શોધી રહી હતી. જોકે તેઓ દિલ્હીના કાર્યક્રમો પડતા મુકીને ઝારખંડ પરત આવી ગયા હતા. સોરેને રવિવારે ઇડીને ઇમેલ કર્યો હતો અને કહ્યું હતું કે ઝારખંડ સરકારને અસર પહોંચાડવા માટે તમારી કાર્યવાહી રાજકીય એજન્ડાથી પ્રેરિત છે. સાથે જ તેઓ 31મીએ રાંચીમાં ઇડી સમક્ષ હાજર થઇને દરેક સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છે તેવો દાવો પણ આ ઇમેલમાં કર્યો હતો.

શું છે જમીન કૌભાંડનો મામલો ?

કથિત જમીન કૌભાંડ કેસની તપાસ કરવા ઈડીની ટીમે 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના આવાસ પર પહોંચી હતી. ટીમ અહીં લગભગ 13 કલાક સુધી રોકાઈ હતી. EDના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સીએમ હેમંત સોરેન બંગલા પર હાજર નહોતા. દરોડા દરમિયાન 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે 'બેનામી' નામથી રજિસ્ટર્ડ છે. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે. EDએ હેમંત સોરેનના ઘરેથી મળેલા કેશની તસવીર પણ જારી કરી હતી. આ તસવીરમાં 500ની નોટોના અનેક બંડલ નજર આવી રહ્યા છે, જેને ઈડીએ જપ્ત કરી હતી.


Google NewsGoogle News