'ક્યારેક ED, ક્યારેક CBI...મારી છબી બગાડવા ભાજપે પુષ્કળ પૈસા ખર્ચ્યા..' દિગ્ગજ CM બગડ્યાં
Jharkhand Election: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઝારખંડ મુક્તિ મોરચા અને ભાજપ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'જો હિંમત હોય તો સામે આવીને લડો- કાયરની જેમ પાછળથી વાર કેમ કરો છો?' સોરેને સમાચારની હેડલાઇન પણ પોસ્ટ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની છબી ખરાબ કરવા માટે ખૂબ પૈસા ખર્ચવામાં આવ્યા છે.
સોરેને શું કહ્યું?
પોસ્ટમાં હેમંત સોરેને કહ્યું કે, 'ક્યારેક ઈડી, ક્યારેક સીબીઆઈ, ક્યારેક બીજી કોઈ એજન્સી- અને ક્યારેક કોઈક બીજું. હવે મારી છબી ખરાબ કરવા માટે અરબો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. અજીબ સ્થિતિ છે.'
આ પણ વાંચોઃ ભાજપમાં ભાગમભાગ! ઉમેદવારોની યાદી જાહેર થતાં જ અનેક નેતાઓના પાર્ટીને 'રામ રામ'
સોરેને ભાજપની 'ડબલ એન્જિન' સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર પાસે રાજ્યમાં લગભગ પાંચ વર્ષ પહેલાં સત્તા હતી અને તેઓએ શાળાઓ બંધ કરી દીધી. ઘણાં લોકોના રાશન કાર્ડ રદ કરી દીધાં. ઝારખંડ લોક સેવા આયોગ (જેપીએસસી)ની પરીક્ષાઓનું પણ આયોજન ન કર્યું. ભાજપ સરકાર લગભગ 11 વર્ષથી કેન્દ્ર અને પાંચ વર્ષથી રાજ્ય સત્તામાં રહી. પોતાને ડબલ એન્જિનની સરકાર કહે છે. તો પછી રઘુવર સરકારે પાંચ વર્ષમાં 13 હજાર શાળાઓ બંધ કેમ કરી દીધી?
ભાજપ પર કર્યાં પ્રહાર
સોરેને ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે, ભાજપના શાસનમાં પાંચ વર્ષમાં 11 લાખ રાશન કાર્ડ રદ કરી દેવાયા છે. આ દરમિયાન જેપીએસસીની પરીક્ષાઓનું આયોજન નથી કરવામાં આવ્યું. ભાજપે વિધવા પેન્શનને પણ નથી વધારી. ભાજપ શાસનમાં પાંચ વર્ષમાં રાજ્યમાં અનેક લોકો ભૂખથી કેમ મૃત્યુ પામ્યા? પાંચ વર્ષમાં યુવાનોને સાઇકલ રિપેર કરવા અને કેળા વેચવાની સલાહ કેમ આપવામાં આવી? સોરેને વધુમાં કહ્યું કે, જો અમારી સરકાર ચૂંટાય છે, તો લોકો અમે ઝારખંડના દરેક વ્યક્તિના હિતમાં કામ કરતા રહીશું.
બે તબક્કામાં થશે ચૂંટણી
જણાવી દઈએ કે, ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ચૂંટણીમાં કુલ 2.6 કરોડ મતદાતાઓ સામેલ થશે. 1.31 કરોડ પુરૂષ અને 1.29 કરોડ મહિલા મતદાતા, તેમજ 11.84 લાખ ફર્સ્ટ ટાઇમ વોટર અને 66.84 લાખ યુવા મતદાતા સામેલ છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ 30 બેઠકો જીતી હતી. વળી, ભાજપના ખાતામાં 25 અને કોંગ્રેસે 16 બેઠકો પર જીત હાંસલ કરી હતી.