ઝારખંડ 47 ડિગ્રીએ ભઠ્ઠી બન્યું, બિહારમાં તોફાનથી બેનાં મોત
- જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા અને વરસાદથી જનજીવન ઠપ્પ
- કોલકાતામાં 43 ડિગ્રી ગરમીએ 50 વર્ષનો રેકોર્ડ તોડયો, ઓડિશાના મયુરભંજમાં 46.4 ડિગ્રી તાપમાન
- હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, બિહાર, બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી
નવી દિલ્હી : ભારતમાં એકબાજુ કાળઝાળ ગરમી નવા રેકોર્ડ સર્જી રહી છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં મૂશળધાર વરસાદના કારણે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારતના મોટાભાગના વિસ્તારમાં મંગળવારે આગ ઓકતી ગરમીનો અનુભવ થયો હતો. પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિત પૂર્વ ભારતમાં પારો ૪૭થી ૫૦ ડિગ્રી નજીક પહોંચી ગયો હતો. કોલકાતામાં ૪૩ ડિગ્રી ગરમીએ ૫૦ વર્ષનો વિક્રમ તોડયો હતો. બીજીબાજુ બિહારમાં આંધી-તોફાનના કારણે એક રાઈસ મીલની ઈમારત તૂટી પડતાં મિલના બે કર્મચારીના મોત થયા હતા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે કાશ્મીરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ સર્જાયું છે.
પૂર્વ ભારત સહિત મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીના પગલે પારો ૪૫ ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. હવામાન વિભાગે ઝારખંડના અનેક વિસ્તારોમાં મંગળવારે હીટવેવની ચેતવણી આપી હતી. અહીં પૂર્વ સિંઘભૂમ જિલ્લાના બહારાગોરામાં તાપમાન ૪૭.૧ ડિગ્રી સે. નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ તાપમાન હતું. આ સિવાય જમશેદપુર શહેર, ગોડા અને સેરૈકેલામાં તાપમાન ૪૫.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે ઝારખંડના ૧૧ જિલ્લાઓમાં બુધવારે હીટવેવની ચેતવણી આપી છે. આવતીકાલે પારો વધુ બેથી ત્રણ ડિગ્રી ઉપર જઈ શકે છે. તીવ્ર ગરમીમાં લૂ લાગવાના કારણે દુમકા બસ સ્ટેન્ડ નજીક બે માણસો બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એ જ રીતે ઓડિશામાં પણ હીટવેવની પરિસ્થિતિથી લોકો ભારે પરેશાન થઈ ગયા હતા. અહીં પાટનગર ભુવનેશ્વરમાં તાપમાન વધીને ૪૫.૪ ડિગ્રી થયું હતું. જોકે, મયુરભંજ જિલ્લામાં બરિપાડા શહેર ૪૬.૪ ડિગ્રી સે. તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ સ્થળ બની રહ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ગરમ છે. વધુમાં પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં મંગળવારે ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા ૫૦ વર્ષમાં સૌથી વધુ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. આ સિવાય પડોશી વિસ્તાર સોલ્ટ લેકમાં પણ ૪૩.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બરાકપોરમાં તાપમાન ૪૪.૬ ડિગ્રી રહ્યું હતું.
આ સિવાય પારો ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યો હોય તેવા વિસ્તારોમાં કૃષ્ણનગર (૪૪), બર્ધમાન (૪૪), અસાન્સોલ (૪૪.૨), પુરુલિયા (૪૩.૭), ઝારગ્રામ (૪૪) અને શ્રીનિકેતન (૪૩.૬)નો સમાવેશ થાય છે. જોકે, રાજ્યમાં આગામી દિવસમાં વરસાદની સંભાવનાના પગલે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે પૂર્વીય ભારતમાં એક મે સુધી અને દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી તિવ્ર ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ, બિહાર, બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપી છે.
દરમિયાન ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી હિમવર્ષા અને વરસાદ પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે મંગળવારે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જતા સ્કૂલો બંધ રખાઈ હતી. કાશ્મીર ખીણમાં વરસાદના કારણે ભૂ-સ્ખલન થતાં કુપવારા અને હંડવારામાં નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. વધુમાં ગુલમર્ગ અને મુઘલ માર્ગ સહિત સહિત કાશ્મીર ખીણના ઉંચાણવાળા વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. જોકે, હવામાન વિભાગ મુજબ કાશ્મીરમાં મંગળવાર સાંજ પછી વાતાવરણમાં સુધારો આવતાં આગામી દિવસોમાં લોકોને રાહત મળવાની શક્યતા છે.
દરમિયાન બિહારના રોહતાસ જિલ્લામાં હવામાન ખરાબ થતા આંધી-તોફાન આવ્યા હતા. તોફાનના કારણે બેલાસપુર ગામમાં એક રાઈસ મિલની દિવાલ તૂટી પડતાં મિલના બે કર્મચારીનાં મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.