ફરી JDU અને ભાજપ સામસામે? માત્ર બે બેઠકોથી સંતોષ માનવા તૈયાર નથી નીતિશ કુમાર
Jharkhand Assembly Election 2024: ઝારખંડમાં એનડીએની પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને લઈને ભાજપ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિવેદન પર જેડીયુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હજુ ગઠબંધન માટે બેઠકો પર સંમતિ નથી બની. જેડીયુના ઝારખંડ પ્રભારી અને બિહારમાં મંત્રી અશોક ચૌધરીએ કહ્યું કે, 'વાતચીત હજું ફાઇનલ નથી થઈ. ભાજપના હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે.'
'...આ યોગ્ય નથી'
હકીકતમાં ચૌધરીને પૂછવામાં આવ્યું હતું કે, ઝારખંડમાં ભાજપ બે બેઠક આપવાની વાત કરી રહી છે. તેના પર ચૌધરીએ કહ્યું કે, હજું વાતચીત થઈ રહી છે. વાતચીત બાદ જ કંઈક કહી શકાશે. અત્યારે એવું રહી દેવું કે, જેડીયુને બે બેઠક આપવામાં આવી છે, તો તે યોગ્ય નહીં રહે.
આ દરમિયાન ઝારખંડમાં ગઠબંધનની બેઠકને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અશોક ચૌધરીની મીટિંગ ખતમ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં ભાજપ તરફથી બે બેઠકના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ છે.
ભાજપના મોટા નેતાઓ સાથે વાતચીત શરૂ
વળી, ઝારખંડના જેડીયુ અધ્યક્ષ ખીરુ મહતોએ કહ્યું કે, હજુ સુધી સંમતિ નથી થઈ શકી. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય ઝા ભાજપના મોટા નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. હકીકતમાં ભાજપની તરફથી બે બેઠકોનો પ્રસ્તાવ આપ્યા બાદ નીતિશ કુમારે ખીરુ મહતોને પટના બોલાવી લીધા હતાં.
11 બેઠકોનું અલ્ટીમેટમ આપ્યું
નીતિશ કુમાર સાથે વાતચીત ખતમ થયા બાદ ખીરુ મહતોએ કહ્યું કે, અમે 11 બેઠકોનું અલ્ટીમેટમ આપ્યું છે. તેના પર વિચાર ચાલી રહ્યો છે. બે બેઠકોનો કોઈ મુદ્દો નથી. પાર્ટી કઈ બેઠક પર ચૂંટણી લડશે તે ભાજપ હાઇકમાન્ડને જણાવી દેવાયું છે. આ સાથે જ ખીરુ મહતોએ દાવો કર્યો કે, સરયૂ રામ જમશેદપુર પશ્ચિમથી ચૂંટણી લડશે.
હિમંતા બિસ્વા સરમાએ શું કહ્યું?
હકીકતમાં શુક્રવારે રાંચીમાં ભાજપના ઝારખંડ પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, આજસૂની સાથે 9 થી 11 બેઠકો પર વાતચીત થઈ રહી છે. વળી, જેડીયુ સાથે બે બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. આ બંને પાર્ટીઓ સિવાય ચિરાગ પાસવાન સાથે પણ આસામના મુખ્યમંત્રીએ વાત કરી હતી. ચૂંટણીની જાહેરાત થયાના 48 કલાક બાદ ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવાશે. જોકે, હાલ પાર્ટીએ તમામ ગઠબંધનની બેઠક ફાઇનલ નથી કરી અને પાર્ટીના નેતૃત્વ સાથે વાતચીત બાદ જ જાહેરાત કરવામાં આવશે.