એકવાર તો મને ચહેરો બતાવી દો..', ઝાંસી અગ્નિકાંડમાં બાળકને ગુમાવનારા માતાનો આક્રંદ
Jhansi Medical College Fire Incident : ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગવાની આ મોટી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત નીપજ્યાં છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ઝાંસી મેડિકલ કોલેજ હોસ્પિટલની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને અફરા-તફરીનો માહોલ છે. લોકો આક્રદ કરી રહ્યા છે આ વચ્ચે એક દંપતિ ખૂબ જ રડી રહ્યું છે અને ચીસો પાડીને કહી રહ્યું છે કે, અમારું બાળક નથી મળી રહ્યું. અમને કોઈ તો જણાવો કે તે ક્યાં છે? આક્રંદ કરનારાઓમાં આ એકલા માતા-પિતા નથી આવા અનેક પરિવારજનો છે જે ઝાંસી મેડિકલ કોલેજના પરિસરમાં આમ-તેમ ભાગી રહ્યા છે, જેમના નવજાત બાળકોએ હજુ આ દુનિયામાં પગ જ મૂક્યો છે અને તે જ બાળકો ક્યાંક તો મૃત્યુને ભેટ્યા છે અથવા તો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
લોકોને એ પણ નથી ખબર કે તેમનું બાળક જીવિત છે કે નથી
સામે આવ્યું છે કે NICU વોર્ડ જેમાં આગ લાગી છે, ત્યાં 10 બાળકો આ આગમાં હોમાયા છે. બીજી તરફ 16 બાળકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે, આ લોકોને એ પણ નથી ખબર કે જે 10 બાળકોના મોત થઈ ગયા છે, શું તેમાં તેમનું બાળક પણ છે? કેટલાક બાળકોનો થોડા કલાક પહેલાં જ જન્મ થયો હતો, તો કેટલાક બાળકોનો અઠવાડિયા પહેલા જન્મ થયો હતો, જ્યારે બીજી તરફ કેટલાક બાળકો માત્ર 10 દિવસની ઉંમરના જ હતા. પરિવાર પાસે તેમની ઓળખ માટે કંઈ પણ નથી અને આ કારણોસર તેઓ ખૂબ જ પરેશાન છે. તેમના બાળકો અહીં હોસ્પિટલમાં દાખલ હતા અને આ ભીષણ અગ્નિકાંડનો શિકાર બની ગયા છે.
આ પણ વાંચો: VIDEO: ઝાંસીમાં મોટી દુર્ઘટના : મેડિકલ કોલેજમાં લાગી વિકરાળ આગ, 10 બાળકોના મોત
એકવાર તો મને બાળકનો ચહેરો બતાવી દો.....
એક માતા જેણે તાજેતરમાં જ પોતાના બાળકને જન્મ આપ્યો હતો, તેની પોતાની સ્થિતિ પણ હજુ બરાબર નથી. આ માતા ખૂબ જ કમજોર હાલતમાં બોલી રહી છે કે, એક વાર મને મારા બાળકનો ચહેરો બતાવી દો.. આટલું કહીને તે ઢળી પડે છે અને તેનો પતિ તેને સંભાળવાનો પ્રયાસ કરે છે.
વોર્ડમાં 70 બાળકો હતા
અન્ય એક મહિલાએ જણાવ્યું કે, 'હું બાળકની મોટી માતા છું. અમારું બાળક નથી મળી રહ્યુ. માત્ર 8 દિવસ પહેલા તેનો જન્મ થયો હતો. તેની માતા પણ હોસ્પિટલમાં દાખલ છે. કોઈ જણાવી નથી રહ્યું કે, અમારું બાળક ક્યા છે. આવી જ એક પીડિતા કહે છે કે 'વોર્ડમાં 70 બાળકો હતા. જ્યારે આગ લાગી ત્યારે અમે ત્યાં જ હતા. જાળી તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હવે અમારું બાળક નથી મળી રહ્યું. જેમના બાળકોને અહીં દાખલ કરવામાં આવ્યા છે તેમની પહેલી સમસ્યા એ જ છે કે તેમના બાળકો ક્યાં છે?