'નીતિશ કગરવા લાગ્યા અને માફી...' RJDના દાવા બાદ રાજકારણ ગરમાયું, JDUએ પુરાવો માગ્યો
Nitish Tejashwi Forgiveness Controversy : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક મોટો દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી નીતિશ કુમારે ઓગસ્ટ 2022માં મહાગઠબંધનમાં પાછા ફરવા માટે કગરવા લાગ્યા હતા અને માફી માંગી હતી. તેજસ્વીના આ દાવા બાદ RJD અને જનતા દળ યુનાઈટેડ (JDU) વચ્ચેનો ઝઘડો વધી ગયો હતો.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં ધાર્મિક સરઘસમાં પથ્થરમારો, તણાવ બાદ બજાર બંધ, ભાજપ ધારાસભ્યના ધરણાં
વિવાદ થતાં જેડીયુએ પુરાવો માગ્યો
આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે શુક્રવારે રાબડી દેવીના નિવાસસ્થાન પર આરજેડીના કાર્યક્રમનો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં નીતિશ કુમાર સ્ટેજ પર બેઠેલા રાબડી દેવીને શુભેચ્છા પાઠવે છે અને રાબડી પણ હાથ જોડીને તેમનું અભિવાદન કરે છે. આરજેડીના આ વીડિયોમાં નીતીશના હાથમાં માઈક છે પરંતુ તેઓ શું બોલી રહ્યા છે તેનો કોઈ અવાજ નથી. જેડીયુએ શનિવારે આરજેડી પાસેથી વીડિયોનો ઓડિયો માંગ્યો છે.
જેડીયુએ કર્યો મોટો દાવો
જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદ, વિધાન પરિષદ નીરજ કુમાર અને અન્ય નેતાઓએ પટનામાં જેડીયુના રાજ્ય કાર્યાલયમાં આરજેડી દ્વારા જાહેર કરાયેલા વીડિયો અંગે પત્રકાર પરિષદ યોજી હતી. જેડીયુના નેતાઓએ કહ્યું કે સન્માનપૂર્વક સલામ કરવી એ દરેક સંસ્કારી નાગરિકનો સંસ્કાર છે. વીડિયોમાં જે જોવા મળે છે તે નીતિશ કુમારની શિષ્ટાચારની ભાવના દર્શાવે છે.
આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, RG કર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને SHOની ધરપકડ
જેડીયુએ આરજેડીને ઘેરી
જેડીયુ નેતાઓએ પૂછ્યું કે આરજેડી દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોનો ઓડિયો ક્યાં અને કોની પાસે છે? જેડીયુના નેતાઓએ કહ્યું કે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે નીતીશે રાબડીને સલામ કરી હતી ત્યારે તેમણે પણ હાથ જોડીને નીતિશનું અભિવાદન કર્યું હતું. વીડિયો જાહેર કરીને આરજેડીએ રાબડી દેવીને પણ ભીંસમાં લીધા છે.