બિહારમાં મહારાષ્ટ્ર જેવુ નહીં ચાલે! બિહારની ચૂંટણી પહેલા JDUનો ભાજપને આડકતરો સંદેશ
Bihar Assembly Election 2025 : ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બિહાર વિધાનસભા ચૂંટણી-2025 નીતિશ કુમારના નેતૃત્વ પર સવાલ કરવામાં આવ્યો હતો અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો. હવે આ મામલે બિહારના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસવાલે પહેલા કહ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડવામાં આવશે, જોકે હવે તેમનું નિવેદન બદલાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે જનતા દળ યુનાઈટેડે (JDU)એ ભાજપને આડકતરો સંદેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પરના પોસ્ટરથી ચર્ચાનો ગરમાવો
જેડીયુએ નીતિશ કુમારની પ્રગતિ યાત્રાના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટર લાગવીને કહ્યું છે કે, ‘જ્યારે વાત બિહારની હોય, નામ માત્ર નીતીશ કુમારનું હોવું જોઈએ.’ આ પોસ્ટરના નિશાના પર કોણ છે, આ આડકતરો સંદેશ કોને આપવામાં આવ્યો છે, તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
નીતીશના નેતૃત્વમાં જ ચૂંટણી લડાશે
બિહારમાં ભાજપના અનેક મોટા નેતાઓ છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છે કે, નીતીશના નેતૃત્વમાં જ 2025ની ચૂંટણી લડવામાં આવશે. અમિત શાહના નિવેદન બાદ પણ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) નીતીશના જ નેતૃત્વમાં ચૂંટણી લડશે. જોકે પછી જયસવાલે તેમના છેલ્લા નિવેદનમાં કહ્યું કે, આ બાબતો અંગે હાઈકમાન્ડ નિર્ણય કરે છે. અશ્વિની ચૌબેએ લોકસભા ચૂંટણી બાદ કહ્યું હતું કે, બિહાર ચૂંટણીનું નેતૃત્વ ભાજપે કરવું જોઈએ.
આ પણ વાંચો : હવે નાપાસ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં નહીં મળે પ્રમોશન, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
અમિત શાહે શું કહ્યું હતું?
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં અમિત શાહે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ન બનાવવાનો ઉલ્લેખ કરતા તેને બિહારની આગામી ચૂંટણી સાથે જોડીને નીતિશના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. શાહે જવાબ આપ્યો હતો કે, પાર્ટીના નીતિગત નિર્ણયો આવા કાર્યક્રમમાં જાહેર કરવામાં આવતા નથી. તમામ પક્ષો સાથે બેસીને નિર્ણય કરશે અને જ્યારે નિર્ણય કરીશું, ત્યારે જણાવીશું. તેમના નિવેદન બાદ ભાજપ અને જેડીયુના નેતાઓ વચ્ચે નેતૃત્વને લઈને નિવેનદબાજી શરૂ થઈ ગઈ છે.